ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળાનાં બાળકોએ પતંગ ઉડાડી આનંદમેળાની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળામાં પતંગોત્સવ સાથે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાનાં ખૂબજ ઉત્સાહી આચાર્ય મયૂર પરમારે આ પ્રસંગે બાળકોને ઉતરાયણનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે આ પ્રસંગે યોજાયેલ આનંદમેળા વિશે જણાવ્યું હતું કે બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કેળવાય અને સાથોસાથ તેમનાં શિક્ષણ માટે તે લાભદાયી નીવડે એ આજનાં આનંદમેળાનો મૂળભૂત હેતુ છે.
સદર આનંદમેળામાં મંચુરિયન, વડાપાઉં, બ્રેડપકોડા, સમોસા, બટાકા ભુંગળા, ભજીયા, પાણીપુરી, આલુપુરી જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો. ત્યારબાદ ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે બાળકો પતંગ ઉડાડી ઝૂમી ઉઠ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.