સાફલ્યગાથા – તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર

Contact News Publisher

તકોને અવસરોમાં તબદિલ કરતી ડોલવણ તાલુકાની બહેનો

રેંગણકચ્છના સહયોગ સખી સંઘની બહેનોના ઉન્નતિના દ્વાર ખુલ્યાં

વિવિધ કાર્યક્રમોમાં સ્ટોલના માધ્યમથી સખી મંડળની બહેનોને મળી રહ્યું છે શ્રેષ્ઠ મંચ

આવકની સાથે પ્રોડક્ટ બ્રાન્ડિંગ બન્યું શક્ય : બહેનોને ઘરબેઠાં મળે છે ઓર્ડર

કેસુડો-ગુલાબના અદભૂત મિશ્રણથી તૈયાર સુગંધિત સ્વદેશી સાબુ લોકોની પ્રથમ પસંદ છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા.20. :- વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં લોકશાહી ધરાવતા દેશો વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય ધરાવતો ભારત દેશ પણ વિકાસના માર્ગે અગ્રેસર બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી છે.

સરકારે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ, સશક્ત નીતિઓ અને મહિલાઓના સક્રિય યોગદાનને મહત્વ આપીને મહિલાઓ માટે શ્રેષ્ઠ અવસરો ઉભા કર્યા છે. આજે વાત કરીએ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રેંગણકચ્છ ગામના નયનાબેન ગામીતની… જેઓએ પોતાના જાત મહેનત અને દ્રઢ સંકલ્પથી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યો છે. માધ્યમો સાથેના સંવાદમાં શ્રીમતી ગામીતે જણાવ્યું કે, અમારા સહયોગ સખી સંઘની બહેનો સાબુ, પાવડર, ફિનાઈલ સહિતના ચીજવસ્તુઓ બનાવવાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

અમને સરકાર દ્વારા તાલીમની સાથે વિવિધ મોટા કાર્યક્રમોમાં સ્ટોલ સ્વરૂપે એક શ્રેષ્ઠ મંચ પ્રદાન કરવામાં આવે છે. જેના થકી અમે ખુબ સારી આવક મેળવી રહ્યાં છે. સાથોસાથ અમારા ઉત્પાદનની ગુણવત્તાથી ગ્રાહકો પ્રભાવિત થતાં વેચાણમાં પણ વધારો નોંધાયો છે. તેમ પણ શ્રીમતી ગામીતે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીના સહયોગથી સખી સહયોગ સંઘની બહેનોનું જૂથ આજે સાબુ બનાવવાની તકનીકી તાલીમ મેળવીને સ્થાનિક સ્તરે પોતાના ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરીને સારી આવક મેળવી રહી છે. પ્રકૃતિના તત્વોથી નિર્મિત આ સાબુ ગ્રાહકોને સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

આ જ જૂથના બીજા ઉદ્યમી શ્રીમતી કોકિલાબેન બી. ચૌધરી પણ સાબુ ઉદ્યોગ થકી અન્ય બહેનો અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યાં છે. તકોને અવસરોમાં તબદિલ કરવાથી સફળતા અચૂક મળે છે, આજે કોકિલાબેન સાબુ વ્યવસાયમાં જોડાઈને આત્મનિર્ભર બન્યાં છે. સાબુ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ ઉત્પાદન, સજાગ વ્યવસાય અને વ્યવસ્થાપક કૌશલ્યથી આગળ વધી રહી છે.

શ્રીમતી ચૌધરી જણાવ્યું કે, દસ જૂથનું એક સંઘ બનાવીને સરકાર તરફથી આર્થિક સહાય, તાલીમ મેળવીને જાતે જ કેમિકલ વગરના પ્રાકૃતિક તત્વોથી નિર્મિત સાબુ બનાવવાનું શરૂ કર્યું… આર.સે.ટી. દ્વારા પણ ખુબ સારો સહકાર મળ્યો છે. તાલીમની સાથે ઓર્ડર પણ મળી રહે છે. સરકારી કાર્યક્રમોમાં સ્ટોલ અમારા માટે શ્રેષ્ઠ મંચ સમાન છે, જ્યાં અમે લીમડો, કેસુડો, એલોવેરા, તુલસી, ગુલાબ સહિતના વિવિધ સુગંધિત સાબુ પ્રદર્શનમાં રાખીએ છીએ, અમે અત્યાર સુધી વલસાડ, નવાસારી અને ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપીને સારી આવક તો મેળવીએ જ છીએ.. તેમજ પોતાની ચીજવસ્તુઓની બ્રાન્ડિગ કરવાની પણ અમને સુવર્ણ તક સરકાર તરફ મળે છે.

સર્વ સમાજને સમકક્ષ રાખીને વર્તમાન સરકાર દ્વારા પ્રજાના સુખાકારી માટે અનેકવિધ કાર્યક્રમો, ઝુંબેશો અને યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવાના પરિણામલક્ષી પ્રયાસો કર્યો છે. ત્યારે તાપી જિલ્લાની આદિવાસી બહેનો પણ વિકસિત ગુજરાત થકી વિકસિત રાષ્ટ્રમાં પોતાની મહત્વપૂર્ણ ભાગીદારી અદા કરી રહી છે.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other