વ્યારા સ્થિત શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળની વિવિધ શાળાઓનો વાર્ષિક ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલ શ્રી ર. ફ.દાબુ કેળવણી મંડળની વિવિધ શાળાઓનો વાર્ષિક ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૮૦ વર્ષોથી તાપી જિલ્લામાં શિક્ષણની જ્યોત જગાવનાર વ્યારાની પ્રતિષ્ઠિત શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળની સાત શાળાઓ અને ભૂલકા ભવનનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓએ બે થી ત્રણ જુદા જુદા પ્રકારની કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી, વ્યારાના ડીવાયએસપી નરવડે, તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાચવાળા, વ્યારા નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય, સુમુલ ડેરીના ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરી, એન.આર.આઈ. રમેશ પટેલ સન્મુખ, પટેલ મહેશભાઈ દાજી તથા પંકજભાઈ સોની, જીગ્નેશ ગળાતરા, વિપુલ બથવાર, ભરત બથવારે આ ભવ્ય કાર્યક્રમની પ્રસ્તુતિ દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા અને દરેક પ્રસંગોની સુંદર રીતે અભિનય તથા ડાન્સ સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રસ્તુતિ જોઈ પધારેલા મહાનુભવોઓ તથા ઉપસ્થિત સમગ્ર વાતાવરણથી તાળીઓના ગડગડાટથી વાલીગણ સહિત દરેક મંત્રમુગ્ધ બની ગયા હતા.
આ કાર્યક્રમમાં આશરે ૧૦,૦૦૦ જેટલી જનમેદનીએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા ર ફ દાબુ કેળવણી મંડળના પ્રમુખ હશુ ભક્તા, મંત્રી મહેશ શાહ, ચેરમેન જોખી તથા તમામ શાળાના આચાર્ય, શિક્ષકગણ, અને રૂચિર દેસાઈ તથા વાલીગણ સહિત ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.