શાકભાજી પાકોમાં નિર્યાત વધારી વધુ આવક મેળવવા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું
ડોલવણના બેડચીત ખાતે “નિકાસલક્ષી શાકભાજીના ઉત્પાદન માટેની કાર્યશિબિર” યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બેડચીત ખાતે “નિકાસલક્ષી શાકભાજીના ઉત્પાદન માટે એક કાર્યશિબિર યોજાઈ હતી. જેમાં ડોલવણ, સોનગઢ, વ્યારા અને વાલોડ તાલુકાના ૨૫૦ જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી ડી. કે. પડાળીયા એ ખેડૂતોને વધુમાં વધુ બાગાયતી ખેતી સાથે જોડાવા અને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું. વધુમાં, KayBee Exports દ્વારા નિર્યાત માટે ભીંડા, મરચાંના નવા ક્લસ્ટર બનાવવા તેમજ સારા બજાર ભાવ ખેડૂતોને મળે અને શાકભાજી નિર્યાતની પ્રક્રિયામાં શું ચોકસાઈ રાખવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી પધારેલ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા બદલાતા વાતાવરણ માં શાકભાજીની ખેતીમાં દવાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો. પલાસિયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રતિલાલભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ વિશે પોતાના અનુભવ રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતો ઉપરાંત તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, ગામના સરપંચ, કૃષિ વૈજ્ઞાનિકો તથા જિલ્લાના વિવિધ ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.