રાજ્યના અધિક કૃષિ સચિવની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇની વિવિધ પ્રાકૃતિક ખેતી એકમની મુલાકાત
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ ચાલતી હોય છે, ડાંગ જિલ્લાની કૃષિ પ્રવૃતિને વેગ મળે અને ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત રાજ્યના કૃષિ મંત્રાલયના અધિક સચિવશ્રી પી.ડી. પલસાણા તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ડાંગ જિલ્લાની મુલાકાત માટે આવેલ હતા. કૃષિ સચિવ દ્વારા કે.વી.કે.ના વિવિધ નિદર્શન યુનિટ, પ્રાકૃતિક ખેતીના પ્લોટ, કૃષિ કોલેજ, મ્યુઝિયમ, મશરૂમ યુનિટ, વર્મીકંપોસ્ટ યુનિટ, ગ્રીન હાઉસ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રની મુલાકાત કરી હતી, આ દરમિયાન કોલેજના છેલ્લા વર્ષના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેઓએ કૃષિ ક્ષેત્રમાં સ્નાતક થઈ GPSC અને UPSC ની પરીક્ષા પાસ કરી મોટા અધિકારી બનવા માટે સૂચન કર્યું હતું. કૃષિ મંત્રાલયના અધિક સચિવશ્રી પી.ડી. પલસાણા સાહેબે ખેડૂતોને તાલીમના માધ્યમથી ખેતીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેતી ખર્ચ ઘટે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય તે માટે હાકલ કરી હતી. તેઓ દ્વારા ખેડૂતોના પ્રાકૃતિક ખેતીના મોડલ ગામ ઢાઢરા, સતી ગામે પ્રાકૃતિક ઉત્પાદક યુનિટ, નડગખાદી ગામે રિધ્ધિ સિધ્ધી સખી મંડળની મુલાકાત કરી તેઓએ પ્રાકૃતિક ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવાની પ્રેરણા આપી હતી. કૃષિ કેમ્પસ વઘઇ દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પધ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને, ખેડૂતો, FPO, NGO, સખી મંડળ વગેરે સંસ્થાઓને વેગ મળી રહ્યો હોય સંસ્થાની કામગીરી બિરદાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.