કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા ૪ર પશુપાલકોને ઘર બેઠા સાયલેજ વિશેની માહિતી અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોવિડ – ૧૯ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં પશુપાલકોને પોતાના ઘર બેઠા પશુપાલનલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ડાયલ આઉટ કોન્ફરન્સ અભિયાન ચલાવી રહ્યું છે . સદર કોન્ફરન્સમાં તીતવા અને બેલધા એમ બને ગામના કુલ ૪૨ પશુપાલકોએ રસપૂર્વક ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કેવીકેના વડા ડો . સી . ડી . પંડ્યાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ કૃષિલક્ષી , બાગાયાતલક્ષી અને પશુપાલનલક્ષી પ્રવૃતિઓની છણાવટ કરી હતી . વધુમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે જારી કરેલ ટોલ ફ્રી નંબર તથા ‘ કિસાનરથ ‘ અને ‘ આરોગ્યસેતુ એપ્લિકેશન અંગે માહિતી તેમજ તેમનું મહત્વ સમજાવ્યું હતું .
કોન્ફરન્સને આગળ વધારતા પશુપાલન નિષ્ણાંત ડો . જે . બી . બુટાણીએ પશુપાલકોને ઉનાળાની ઋતુમાં લીલાચારાની ગરજ સારતા સાયલેજ એટલે કે લીલાચારાનું અથાણું વિશે પદ્ધતિસરનું માર્ગદર્શન આપ્યું હતું તદઉપરાંત ઉનાળાની ઋતુમાં પશુપાલકોએ તેમના પશુઓ માટે લેવાની થતી કાળજી વિષે પણ વિસ્તૃત છણાવટ કરી હતી . કાર્યક્રમના અંતે પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું . સદર કાર્યક્રમનું સઘળું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશનના રેનીશ ભરૂચવાલા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું .