ઓલપાડની સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય શર્મિલા પટેલનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શર્મિલાબેન ભોગીલાલ પટેલની સ્વૈચ્છિક અન્ય શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળામાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ, વડીલો, શાળા વ્યવસ્થાપન સમિતિ સભ્યો, સરસ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં આચાર્યો,શિક્ષકગણ સહિત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં નવનિયુક્ત આચાર્ય અજયભાઈ પટેલે શાબ્દિક સ્વાગત દ્વારા તમામ મહેમાનોને આવકારીને શાળામાંથી વિદાય લઇ રહેલ શર્મિલાબેન પટેલનાં સરસ પ્રાથમિક શાળા સાથે જોડાયેલાં પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતાં. આ તકે શાળા પરિવારે શર્મિલાબેનને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનપત્ર સાથે ભારે હૃદયે વિદાય આપી હતી. સાથેજ અન્ય શિક્ષકો તથા બાળકોએ પણ તેમને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં શર્મિલાબેન પોતાનાં પ્રતિભાવ આપતી વેળા ભાવવિભોર થયાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.