તાપી જીલ્લામાં મહિલા ખડૂતોની જોડી આવનારા સમયમાં સફળતાના શિખરો સર કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી નદીની દક્ષિણ દિશામાં સોનગઢ તાલુકાનું સીંગપુર ગામ આવેલું છે. નદીની ગોદમાં વસેલા આ ગામથી તાપી નદી ઉત્તર દિશામાં માત્ર ૩ કિ.મી દુર છે. આ નદીના પાણીનો લાભ સિંચાઈ અને ખેતી બંને પ્રકારે આ ગામના લોકોને મળે છે. કહેવાય છે કે તાપી જિલ્લો પાણી અને પાવરનો જીલ્લો છે. કેમ કે ઉકાઈ ડેમ તાપી ઉપરાંત સુરત, અને નર્મદા જિલ્લાને પણ પાણી પૂરું પાડે છે. ઉકાઈ માં થર્મલ, હાઈડ્રો પાવર સ્ટેશન આવેલા છે જે ગુજરાતની ઈલેક્ટ્રીસીટીની જરૂરિયાત પૂરી પાડે છે.
ભદ્રાબેન કુંવરજીભાઈ ગામીત સીંગપુરના ખુબજ ઉત્સાહી અને ખંતીલા અને પીઢ ખેડૂત છે. તેમની સાથે અન્ય એક બહેન છે અરવિંદાબેન અજીતભાઈ ગામીત. આ બંને બહેનોએ કુલ ૧૩૦ બહેનોને સભાસદ તરીકે જોડીને પોતાની ‘સીંગપુર વિભાગ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લી’ સ્થાપી છે. જેમાં અન્ય બહેનો પણ ભદ્રાબેન જેવા જ ખંતીલા અને ઉત્સાહી છે. આ મંડળીમાં તેઓ કિચન ગાર્ડન, મોડેલ ફાર્મ અને ઓર્ગેનિક પેસ્ટીસાઈડ વિકસાવવા જેવા કાર્યો કરે છે. તેઓ કહે છે કે તેમની આજુ બાજુના 8 ગમોને ટાર્ગેટ બનાવેલ છે. જેમાંથી વધુને વધુ લોકોને ખાસ કરીને બહેનોને આ પ્રોજેક્ટમાં તેઓ જોડશે. સીંગપુર નજીકના વાઘનેરા, વેકુંર, વાડી ભેસરોટ, પીપળકુવા, ઉખલદા, પાલીસકુઆ, ધાજાંબા, જમાપુર સહીત બોરીસવાર ગામે તેઓ વાહનયોગ વિના પણ દર મહીને અચૂક પહોંચે છે અને પોતાની મંડળીનું માર્કેટિંગ કરે છે.
અહીના લોકોમાં તેઓ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા સતત પ્રયાસ કરે છે. આ બહનો સાથે તેઓ મીટીંગ યોજે છે. પ્રાકૃતિક ખેતી વિષે તેમને સમજાવે છે અને બધી જ બાબતોનું સચોટ દસ્તાવેજીકરણ કરે છે. તેઓ એક ખાનગી એન.જી.ઓ પાસેથી ટ્રેનીંગ લઈને નવાચારનો પ્રયોગ કરે છે. ગામના સરપંચ સંગીતાબેન વિક્રમભાઈ ગામીત મહિલા હોવાથી તેમને પણ કમિટીમાં સ્થાન આપેલું છે. ભદ્રાબેનને જયારે પૂછ્યું કે તમારો ધ્યેય શું છે ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ સમગ્ર તાલુકાને પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતી અંગે સભાન બનાવવા માંગે છે અને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું બિયારણ પૂરું પાડવા માંગે છે. આજના ખેડૂતો મોંઘી, રસયાણ વાળી અને હાનીકારક ખનીજો વાળી ખેતી કરે છે જેથી આપણી ફળદ્રુપ જમીન બગડે છે, આ બધું તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી અટકાવવા માંગે છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શું જરૂરિયાત છે, અનાજ કેવું પાકે છે, ક્યાં તકલીફ પડે છે આ બધા આયામોનો ખ્યાલ આવે એટલા માટે આ બહેનોએ ભેગા થઈને ૪ વર્ષથી મોડેલ ફાર્મ ઉભું કર્યું છે. જેમાં તેઓ પ્રયોગ કરીને તેમની મંડળીમાં વેચતા બિયારણોની વાવણી કરીને લોકોને સફળ ઉદાહરણ પૂરું પાડવા માંગે છે. મંડળીમાં અત્યારે દેશી ડાંગરના બિયારણનું વેચાણ કરે છે. આવનારા સમયમાં તેઓ કઠોળ, ઘઉં, ડાંગરની દરેક દેશી જાત જેવી કે આંબામોર, વિષ્ણુ ભોગ, બીમજરી કલમ, મસુરી, સુકવેલ, તુંણખી મંજરી, લાલકડા, ગ્રીન રાઈસ, બ્લેક રાઈસ વગેરે વેરાયટી ખેડૂતોને પહોચાડવા માંગે છે. આમ, આ બહેનોની ટીમ આવનારા સમયમાં સમગ્ર સોનગઢ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે એક નવો અધ્યાય શરુ કરશે જેનો ફાયદો ખેડૂતો અને વપરાશકર્તાઓને અચૂક મળશે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.