જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિ. પ્રા. શિક્ષણાધિકારીઓનો વિદાય તથા આવકાર સમારંભ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં વેસુ રોડ સ્થિત જિલ્લા પંચાયત કચેરીનાં સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લામાંથી બઢતી પામી વિદાય લેતાં તેમજ આવકાર લેતાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્કારવાનો દ્વિવિધ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડનાં પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો.
મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ તકે તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ કે જેઓ બદલી સાથે બઢતી પામી નાયબ નિયામક (માધ્યમિક), કમિશનરશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર ખાતે નિયુક્ત થયેલ છે જ્યારે નવસારી જિલ્લામાંથી બદલી પામી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પદભાર ગ્રહણ કરનાર અરૂણભાઈ અગ્રવાલ એમ બંને મહાનુભવોનાં ઉમદા વ્યક્તિત્વને વાગોળીને તેઓનાં કુશળ વહીવટની સરાહના કરી હતી. આ પ્રસંગે બંને મહાનુભવોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સત્કારવામાં આવ્યા હતાં. આ સાથે જિલ્લા સંઘ તથા તમામ તાલુકા ઘટક સંઘ દ્વારા તેમને વિવિધ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતાં.
પોતાનાં પ્રતિભાવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે તેમનાં 350 દિવસનાં અત્રેનાં ફરજકાળ દરમિયાન પોતાનાં વહીવટમાં અપેક્ષિત સાથ સહકાર આપવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રીઓ ઉપરાંત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફગણ, અધિકારી-પદાધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે આપણી ફરજને નિ:સ્વાર્થ કર્મરૂપે બજાવીશું તો ઈશ્વર પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણી પડખે ઊભો રહે છે જે બાબતને મેં અનુભવી છે. જિલ્લાનાં ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણભાઈ અગ્રવાલે પોતાનાં પ્રતિભાવમાં શિક્ષણ અને શિક્ષકનાં હિતમાં એક ટીમ બની કાર્ય કરવાની ખાતરી આપી હતી.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ શિક્ષણનાં વિવિધ પ્રવાહો, છેવાડાનાં જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણનો લાભ, શિક્ષણની વિવિધ યોજનાઓનું અમલીકરણ જેવાં ઉમદા વિઝન માટે જયેશભાઈ પટેલની હકારાત્મક દ્ષ્ટિની પ્રશંસા કરી હતી. આ તકે પ્રમુખસ્થાનેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડે બંને મહાનુભવોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વજેસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફગણ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહિલા ઉપપ્રમુખ રીનાબેન રોઝલીન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટરો ઉપરાંત તેમનાં મિત્રમંડળ સહિત પરિવારજનો શુભેચ્છા અર્થે ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમનું આરંભથી અંત સુધીનું સંચાલન આફવા પ્રાથમિક શાળાનાં આચાર્ય શૈલેષભાઈ પટેલે કર્યુ હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other