ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકોએ પોતાનાં જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકો પોતાનાં જન્મદિવસની ઉજવણી ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ પોતાની શાળા કે પોતાનાં ઘરે વૃક્ષારોપણ કરી જન્મદિવસ યાદગાર બનાવે છે. નવા વર્ષથી આ પ્રશંસનીય બીડુ ઉપાડવાનો વિચાર શાળાનાં ઉપશિક્ષિકા જાગૃતિ પટેલે અમલમાં મૂક્યો, જેને શાળા સ્ટાફગણ સહિત બાળકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
શાળાનાં આચાર્ય અમિત પટેલે આ પહેલને વધાવી જણાવ્યું હતું કે બાળકોમાં પોતાનાં જન્મદિવસે વૃક્ષારોપણ કરીને પ્રવર્તમાન સમયની પર્યાવરણીય સમસ્યાઓનાં સમાધાનમાં પોતાનો પણ નાનકડો સહયોગ છે એવો ભાવ પ્રગટે અને સાથોસાથ વાલીજનો પણ આ વિશે જાગૃતિ કેળવે તે વૃક્ષારોપણનો મુખ્ય હેતુ છે.
સદર નવતર પ્રયોગની શુભ શરૂઆતનાં ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતાં બાળકો નીશા દલપતભાઈ મોચી તથા આંચલ અમરબહાદુર નિશાદે શાળા સંકુલમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પોતાનાં જન્મદિવસને સાર્થક બનાવ્યો હતો. જેમાં શાળાનાં બાળકો, સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો જોડાયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.