ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા તાપી જિલ્લાની શાળાઓ અને ખેલાડીઓ માટે ૫મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થશે
૨૫મી ડીસેમ્બર સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે
**
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં વ્યારા શહેર અને તાપી જિલ્લાની તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીની રહેશે.
ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
પ્રત્યેક ખેલાડી મહત્તમ ૨ (બે) રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, બ્લોક નં.૫ જિલ્લા સેવા સદન, વ્યારા ખાતેથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.
**
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.