ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં આચાર્ય મનિષ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં છેલ્લાં 10 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં એચ.ટાટ આચાર્ય મનિષ પટેલની અન્ય શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ગામનાં માજી સરપંચ છગનભાઈ પટેલ, શાળાનાં માજી આચાર્ય પ્રવિણભાઈ પટેલ, જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ નટવરભાઈ પટેલ, ગામનાં આગેવાન ધીરુભાઈ પટેલ, સમસ્ત વાલીજનો, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોશન કરવામાં મનિષ પટેલનો સિંહ ફાળો રહ્યો છે. શાળાનાં તમામ બાળકોને અક્ષર સુધારણા, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, શાળા કેમ્પસમાં વૃક્ષોનું જતન, બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી છેલ્લાં 10 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું.
આ પ્રસંગે શાળાનાં ઉપશિક્ષક કનૈયા પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી મનિષભાઈની કાર્ય પ્રણાલી વર્ણવી હતી. શાળા પરિવારે મનિષભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સાથેજ તેમને સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી ભાવભીની વિદાય આપી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક પંકજ પટેલે શાળા પરિવાર તથા ગામ વતી મનિષભાઈને ઉજ્જવળ ભવિષ્ય અંગેની શુભેચ્છાઓ પાઠવી આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.