ગાય-ભેસને ઠંડી-ગરમી અને વરસાદથી રક્ષણ આપવાના પ્રયાસથી પ્રેરાઈને પોતાનું પાકું મકાન બંધનારા વાલોડ તાલુકાના મુકેશભાઇ ચૌધરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ 23 મો ક્રમાંક ધરાવતા તાપી જિલ્લાનો વાલોડ તાલુકો આ જિલ્લાના 7 તાલુકાઓમાં સૌથી નાનો તાલુકો છે. અહીંના આંબાચ ગામમાં માંડ 1500ની વસ્તી છે. ખેતી, પશુપાલન અને નાના મોટા કામકાજથી અહીંયા લોકો પોતાનું ગુજરાન ચલાવે.
અંબાચ ગામની સીમમાં રહેતા મુકેશભાઇ મીઠલભાઈ ચૌધરી તાલુકા મથકે ટેમ્પો ચલાવી તેમની રોજીરોટી કમાય છે. તેમના ધર્મ પત્ની નૈનાબહેન પશુપાલનનો વ્યવસાય કરે છે. અહીની સ્થાનિક ભાષામાં તેઓ જણાવે છે કે તેમની પાસે 3 ક્યારા જમીન છે જેમાં ગાય ભેસ માટે ઘાસ ચારો ઉગાવે છે એ જ જમીનમાં જ નાનું ઝુંપડું હતું. જેમાં તેઓ વર્ષોથી રહેતા હતા. ગાય ભેસ રાખવા માટે કોઈ અલાયદી જગા નહીં. વરસાદમાં ગાય ભેસને રાખવાની તકલીફ પડે, શિયાળામાં શણનો ઉપયોગ કરીને માલ ઢોરને ગરમાટો મળે તેવી વ્યવસ્થા કરવી પડતી.
મુકેશભાઈ પાસે આવું કરવાનો ટાઈમ ન મળે અને તેમના પત્ની આ બધી પળોજણ કરીને થાકી ગયા હતા. એવામાં સરપંચ અને ગ્રામ પંચાયત થકી તેમણે પ્રધાન મંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં અરજી કરી અને તેમનું પાક્કું ઘર બની ગયું.
નવું કલર કરેલું ખેતરોની વચ્ચે આવેલું તેમનું મકાન જોઈને નૈનાબહેન ખૂબ ખુશ છે. પશુઓને રાખવાની કોઈ ચિંતા નથી અને રાત્રિના સમયે જંગલી જાનવર કે જીવજંતુ આવવાનો કોઈ ડર નથી. ઘર બંધાતુ ગયું તેમ તેમને સહાયની રકમ મળતી ગઈ. તેમને કુલ ૧ લાખ ૨૦ હજારની સહાય મળી. તેઓ હવે નિશ્ચિંત બનીને સુખેથી પોતાનું જીવન જીવે છે. સરકારશ્રીની આવી નિરાળી યોજનાઓનો લાભ સહાયના સાચા હકદાર એવા ગ્રામીણ, નિર્દોષ અને નિરુપદ્રવી દરેક લોકોને મળે છે તેનો આ પુરાવો છે.
આલેખન: મનીષ એન બ્રહ્મભટ્ટ, માહિતી કચેરી, તાપી
00000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.