મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે આદિવાસી સમુદાયના ૧૫૦ થી વધુ લાભાર્થીઓને ૪૫ લાખથી વધુના યોજનાકીય લાભોનું વિતરણ
રાજ્ય સરકારે આદિવાસી સમુદાય તથા આદિમજૂથના સર્વાંગી વિકાસની દરકાર લીધી છે – વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
—
આદિજાતિના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તાપી જિલ્લા વહીવટી તંત્રની પરિણામલક્ષી કામગીરીને બિરદાવતા મંત્રીશ્રી પટેલ
—
તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૫:- તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે. આપણા વડાપ્રધાનશ્રીએ તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના દિવસે ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આદિવાસી સમુદાય તથા આદિમ જૂથના સર્વાંગી વિકાસની દરકાર લીધી છે. ત્યારે બહુલ આદિજાતિ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના આદિવાસી બાંધવો તેમજ “પીએમ જનમન” અભિયાન હેઠળ આદિમજૂથોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તાપી જિલ્લા વહીવટી તંત્રએ કમરકસી છે. વહીવટી તંત્રએ સરકારની વિવિધ સેવાઓ તથા યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થી સુધી પહોંચતા કરીને આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનું કાર્ય કર્યું છે.
તાપી જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના આદિવાસી તથા આદિમજૂથ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો હતો. લાભાર્થીઓએ યોજનાના લાભ મળ્યેથી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના મંતવ્યો મંત્રીશ્રી તેમજ હોલમાં ઉપસ્થિત સૌ નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે, જનજાતિય ગૌરવ દિવસના અવસરે “પીએમ જન-મન” અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે આદિવાસી કલ્યાણના વિવિધ અભિયાનો અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારથી દેશના વિવિધ જિલ્લાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારે ડાંગ જિલ્લા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાપી જિલ્લાના નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. એન. શાહે પોતાના પ્રાસંગિક ઉદબોધન દરમિયાન આદિજાતિ સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી.
મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના આદિવાસી સમુદાય તથા આદિમજૂથના અંદાજિત ૧૫૦ લાભાર્થીઓને રૂ. ૪૫ લાખથી વધુની રકમની વિવિધ યોજનાકીય લાભો-સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયું હતું.
તાપી જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના આદિમજૂથ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો હતો. લાભાર્થીઓએ યોજનાના લાભથી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના મંતવ્યો મંત્રીશ્રી તેમજ હોલમાં ઉપસ્થિત સૌ નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે વિવિધ યોજનાકિય સ્ટોલની મુલાકાત લઈને મંત્રીશ્રીએ સ્ટોલના પ્રતિનિધિઓને સરકારની તમામ સેવાઓ અને યોજનાઓની માહિતી અને લાભ નાગરિકોને મળી રહે તેવા ઉમદા આશય સાથે કામગીરી કરવા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યંુ હતું.
વિકાસના વાટે અગ્રેસર આદિમજૂથ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રામાં આદિવાસી સમુદાયની ભૂમિકા મહત્વપૂર્ણ છે ત્યારે તાપી જિલ્લાના સાત તાલુકાઓના કુલ ૧૭૫ ગામોમાં વસવાટ કરતા આદિમ જૂથના ૬૦૬૩ કુટુંબો તથા ૨૭૩૯૭ આદિમજૂથોને કેન્દ્રસ્થાને રાખીને તેમના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ આપવા તેઓને પીએમ જનમન અભિયાન હેઠળ તાપી જિલ્લા વહીવટી તંત્રએ વિવિધ યોજનાના લાભો ઉપલબ્ધ કરાવ્યા છે.
જેમાં ૧૨૭૦ લાભાર્થીઓને વાસ્મો દ્વારા નલ કનેક્શન દ્વારા પીવાનું શુદ્ધ પાણી, ૭૭૯ આવાસોને મંજુરી, ૧૯૯૯ લાભાર્થીઓને વિજળીની સુવિધા, ૬૨૦૩ લાભાર્થીઓને પી.એમ. કિસાન સન્માન નિધિ, ૧૯૯૭૧ લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ, ૩૩૧૯ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૪૦૮૫ લાભાર્થીઓને રેશન કાર્ડ, ૨૯૮૯ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના તથા ૪૪૩ લાભાર્થીઓને જાતિ પ્રમાણ પત્રનો લાભ આપી લાભાન્વિત કર્યાં છે. આ સાથે પીએમ જનમન અભિયાન અંતર્ગત સોનગઢ તાલુકામાં ૦૬ આંગણવાડીઓ મંજુર કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, નાયબ સંરક્ષક શ્રી પુનિત નૈયર, નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ, ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી ખ્યાતિ પટેલ, નાયબ કલેક્ટરશ્રી તૃપ્તી પટેલ,વ્યારાના પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.