વાઘ બારસના પર્વની આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે વાઘ બારસના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાઘ બારસ નિમિત્તે ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાય દ્વારા પરંપરાગત રીતે વાઘદેવ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ડાંગ જિલ્લો એ પ્રાકૃતિક સૌંદર્ય અને વન પ્રદેશ માટે તો જાણીતો છે જ પરંતુ ડાંગ જિલ્લો એ પોતાના પરંપરાગત તહેવારને લીધે એક અલગ ઓળખ ધરાવે છે. વર્ષ દરમિયાન ડાંગના આદિવાસી સમુદાય દ્વારા દ્વારા અલગ અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વાઘ બારસના તહેવાર સાથે આદિવાસી સમાજની કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાઘદેવતાનું સ્થાનક જોવા મળે છે. ત્યારે વાઘબારસના તહેવાર નિમિત્તે પાલતુ પશુ ઉપર ઔષધિય દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તેમજ ગામના લોકો પાલતુ પશુઓને ગામના ગોઠવણ પર ભેગા કરતા હોય છે. જે આદિવાસી સમાજના લોકો દ્વારા પૂજાને સામગ્રીઓ અને વિધિ દ્વારા પોતાની પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવતી હોય છે. તેમજ વાઘદેવતાનાં સ્થાનકની પણ પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ ગોવાળિયામાંથી વાઘ અને ભાલુ બનાવવામાં આવે છે અને પૂજન વિધિ કરવામાં આવતી હોય છે. તેમજ ગામની આસપાસમાં બનેલ ઘટનાઓનું વર્ણન માનવ રક્ષા માટે કરવામાં આવે છે. જેમાં પ્રાણીઓ પર કરેલ હુમલાઓનો વર્ણન કરવામાં આવે છે. અહીંના ડાંગી આદિવાસી લોકો જંગલમાં ઢોર ચરાવવા જાય ત્યારે વાઘ દેવતાં અને નાગદેવતાંને તેમના ઢોરોથી દુર રહેવાની વિનંતી કરવામાં આવે છે. તેમજ સમૂહમાં એક જ થાળીમાં ભોજન આપવામાં આવે છે. આ પૂજા વિધિ બાદ ગ્રામજનો સમુહભોજન કરીને પોતાના ઘરે પરત ફરતા હોય છે. ત્યારબાદ સાંજનાં સમયે ગાય બળદોને ઘરે લાવીને ડાંગર ખવડાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આદિવાસી પરંપરાને હજુ પણ ડાંગી આદિવાસી લોકોએ જાળવી રાખી છે. વાઘ બારસના દિવસે ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં આ રીતે વાઘદેવતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે આદિવાસી પ્રજા માટે તેમની સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે તેમની આસ્થા જોડાયેલી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.