બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં પર્યાવરણ વિષયની દ્રિદિવસીય તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાંપ્રત સમયમાં શિક્ષક નવીન પ્રવાહો અને ટેકનોલોજીનાં જાણકાર બને, આ ટેકનોલોજી દ્વારા બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને તેનો વર્ગખંડમાં સમૂચિત ઉપયોગ કરતાં શિક્ષક શીખે તે જરૂરી છે. જીસીઇઆરટી દ્વારા આ મુદ્દાઓને ધ્યાને લઇ શિક્ષકની તાલીમ જરૂરિયાત, વિવિધ સંશોધનોનાં તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે સમગ્ર રાજયનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 થી 5 નાં પર્યાવરણ વિષયની દ્રિદિવસીય તાલીમ અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.
સદર તાલીમ વર્ગમાં પર્યાવરણ આધારિત અધ્યયન નિષ્પત્તિઓની સમજ, વિષયવસ્તુનું નાટયીકરણ, અભિનય, પ્રોજેક્ટ વર્ક, વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ તજજ્ઞ એવાં જતીન પટેલ (રાજનગર), દિનેશ પટેલ (અછારણ), અલ્પેશ ઠાકર (સાયણ), સતિષ પટેલ (શિવાજીનગર), મયૂર પરમાર (વેલુક), કલ્પના પટેલ (સીથાણ), રશ્મિકા પટેલ (કનાદ), શશીકાંત પટેલ (સાયણ) તથા કીર્તિ પંચાલ (દેલાડ) સુઆયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં.
તાલીમનાં અંતિમ ચરણમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ગ્લોબલ વોર્મિંગ, પ્રકૃતિ જતન, ટ્રેકિંગ, પ્રદુષણ જેવી વિવિધ બાબતો પર પ્રકાશ પાડી તાલીમાર્થીઓ સાથે પરસ્પર ગોષ્ઠિ યોજી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.