મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાની અમલસાડી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક અશોક ચૌધરીનો વિદાય સન્માન સમારોહ યોજાયો
અમલસાડી પ્રાથમિક શાળાનાં સર્વાંગી વિકાસનાં પ્રણેતા અશોકભાઈ ચૌધરીનું શાળા, વાલી અને ગામ દ્વારા ત્રિકોણીય સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં માંડવી તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતાં અશોકભાઈ ચૌધરીનો વિદાય સન્માન સમારોહ રાજ્ય કક્ષાનાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રોહિતભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને રાજ્ય સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, કાર્યવાહક રીનાબેન રોઝલીન, ગામનાં સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં સદસ્યો, આમંત્રિત મહેમાનો, જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મંત્રીઓ, શિક્ષક અગ્રણી એવાં ગોકુળભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, ધીરુભાઈ પટેલ, એરિકભાઈ ખ્રિસ્તી ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોએ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે અશોકભાઈ ચૌધરીનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ સહિત સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સન્માનનાં ઋણ ચૂકવતાં હોય એમ અશોકભાઈએ આ તકે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન ભવનને રૂપિયા 37,500, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, માંડવી તાલુકા શિક્ષક મંડળી તથા યજમાન માતૃશાળા એમ તમામને રૂપિયા 21,000 તથા યજમાન ગામ અમલસાડીને વાસણો માટે રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 1,81,500 જેટલી માતબર રકમ દાન સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, અધિકારીઓ-પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, શિક્ષક ભાઈ-બહેનો, સ્નેહીજનો તથા મિત્રમંડળે પોતપોતાની આગવી રીતે તેમને સન્માનિત કર્યા હતાં.
આ તકે મંત્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત સદસ્ય રોહિતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી અશોકભાઈનાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનાં સુખમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મરુવ્રત ચૌધરી, કીર્તિપાલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં અશોકભાઈએ નામી અનામી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.