બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સોંદામીઠા હળપતિ આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સોંદામીઠા હળપતિ આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ પ્રદર્શનમાં સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળવા સાથે તેમને પ્રોત્સાહિત કરવા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ તથા અન્ય સદસ્યો તેમજ હોદ્દેદારો, ઓલપાડનાં માજી ધારાસભ્ય અને યજમાન શાળાનાં પ્રમુખ ધનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ, માનદ મંત્રી જયંતિભાઈ પટેલ, માજી બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ, વિવિધ સહકારી તેમજ શિક્ષક સંઘનાં હોદ્દેદારો અને આગેવાનો સહિત તાલુકાનાં તમામ મુખ્યશિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રદર્શનમાં દીપ પ્રજ્વલન બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સૌને આવકારી કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. ચાલુ વર્ષની થીમ ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ સંદર્ભે કુલ-5 વિભાગમાં બાળ વૈજ્ઞાનિકોએ 55 જેટલી ચડિયાતી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં વિભાગવાર શ્રેષ્ઠ જાહેર થયેલ કૃતિઓ આ મુજબ છે. ચાલુ વર્ષની થીમ ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ સંદર્ભે કુલ-5 વિભાગમાં બાળ વૈજ્ઞાનિકોએ 55 જેટલી ચડિયાતી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં વિભાગવાર શ્રેષ્ઠ જાહેર થયેલ કૃતિઓ આ મુજબ છે. વિભાગ-1 ખોરાક, આરોગ્ય અને સફાઈ (દાંડી પ્રાથમિક શાળા), વિભાગ-2 પરિવહન અને સંચાર (કોબા પ્રાથમિક શાળા), વિભાગ-3 પ્રાકૃતિક ખેતી (જીણોદ પ્રાથમિક શાળા), વિભાગ-4 ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન (ટકારમા પ્રાથમિક શાળા), વિભાગ-5 આપત્તિ વ્યવસ્થાપન (સરસ પ્રાથમિક શાળા). આ તમામ કૃતિઓ જિલ્લા કક્ષાએ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. બાળ વૈજ્ઞાનિકોને સત્યનારાયણ ચેરીટેબલ મેમોરિયલ ટ્રસ્ટ, કીમ તરફથી સ્મૃતિભેટરૂપે બેગ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં યજમાન શાળા સહિત રાજનગર કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર તથા સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે શ્રેષ્ઠતાને વરેલ શિક્ષક ભાઈ-બહેનોનું વિશેષ સન્માન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સદર પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાઓનાં શિક્ષકોએ ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતા તથા ગોલા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક સુરેશ પટેલે કર્યુ હતું. અંતમાં આભારવિધિ યજમાન શાળાનાં ઉપશિક્ષક જયેશભાઈ માંગુકિયાએ આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમ શાળાનાં આચાર્ય ઈલાબેન પટેલ, સ્ટાફગણ, વિધાર્થીઓ, રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ સહિત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.