તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય અંડર-14 તથા અંડર-17 એથ્લેટિક્સ સ્પર્ધામાં કીમ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ
શાળા તથા વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે હરહંમેશ તત્પર આચાર્ય દિનેશચંદ્ર પટેલની પ્રેરણા અને ઉત્સાહનો સ્પર્ધકોએ રંગ રાખ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સુરત દ્વારા આયોજીત અખિલ ભારતીય શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન ઓલપાડ તાલુકાનાં નરથાણ ગામ સ્થિત તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઝળહળતો દેખાવ કરી શાળાનું નામ રોશન કરેલ છે.
અત્રે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી અંડર-14 બહેનો વિભાગની ઊંચીકૂદ સ્પર્ધામાં અંજુ યાદવે પ્રથમ તથા ભાઈઓનાં વિભાગમાં આયુષ શર્માએ તૃતિય નંબર હાંસલ કર્યો હતો. લાંબીકૂદ સ્પર્ધામાં અંજુ યાદવે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. 600 મીટર દોડ સ્પર્ધામાં ચંદ્રિકા ચૌહાણ પ્રથમ, 400 મીટરમાં રાગિણી યાદવ દ્વિતીય જ્યારે 100 મીટર દોડમાં ખુશી રાજપૂત દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. તદ્ઉપરાંત અંડર-17 બહેનો વિભાગની લાંબીકૂદ સ્પર્ધામાં આર્યા સિંગ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. 1500 મીટર દોડ સ્પર્ધામાં શીતલ ધૂળિયાએ દ્વિતીય ક્રમ જ્યારે 100 મીટર દોડમાં રોશની સોનકરે પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
આ તકે શાળાનાં આચાર્ય દિનેશચંદ્ર પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે વિજેતા સ્પર્ધકો સહિત ખેલ સહાયક એવાં માર્ગદર્શક શિક્ષિકા જીગીશા પટેલ તથા સહયોગી ઉપશિક્ષક ભરત પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે તાલુકા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કારોબારી સભ્ય અનુક્રમે સતિષ પરમાર અને ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર દેખાવ માટે તમામ સ્પર્ધકોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.