વ્યારામાં”વિકાસ સપ્તાહ” અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13. તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ તબક્કે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિ. દ્વારા વિકાસ સપ્તાહ શૃંખલા અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ખેડૂત કલ્યાણ દિવસ નિમિતે રવિવાર, તા.13નારોજ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશના વિકાસમાં પોતાની સહભાગીતા નોંધવવા સંકલ્પ લીધો હતો. આ તાલીમમાં બાગાયત, ખેતીવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અમલિકૃત યોજનાઓની વિવિધ માહિતી, કૃષિ વિષયક તાંત્રિક માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લો સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તે માટે આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ખેતીવાડી કચેરી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની તાલીમ થકી ખેડૂતો ખેતરમાં પાક અને અન્ય વ્યવસ્થા અંગે તેમાંથી સીખ મેળવી શકે છે. તાલીમ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે લેવામાં આવતા નવચરો અંગે શોટ ફિલ્મ નિહાળવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ,આત્મા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોના ઉદાહરણો, ગાય આધારિત ખેતીના ફાયદા, પ્રકૃતિમાં રહેલ ઔષધી અને હેલ્ધી ફાર્મિંગ વિશે વિગતવાર જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ડીજીવીસીએલ દ્વારા ખેડૂતોને ઈલેક્ટ્રીસીટી અંગે મળતા લાભોની માહિતી જુ.એન્જિનિયર દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોના અનુભવો જણાવી પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા, બિયારણ, વાવણી, ખાતર અને જંતુ નિયંત્રણ વિશેની વિગતવાર માહિતી આપી, સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ઉત્પાદનોના વેચાણ અને મૂલ્યવર્ધન વિશે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દ્વારા પ્રભાવીત થઇ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉત્સાહ બતાવ્યો હતો.
આ તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસીયા, વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. સી. ડી પંડ્યા, નાયબ ખેતી નિયામક શ્રી એસ.યુ પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી ટી.એમ ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ.કે પટેલ વગેરે અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા.
૦૦૦૦
00000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.