ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં સરપંચો અને તાલુકા સદસ્યોને ચામુંડા ટ્રેડિંગ એજન્સીનાં કોન્ટ્રાકટરે ઉઠા ભણાવતા તપાસની માંગ ઉઠી

Contact News Publisher

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ કેટલીક ગ્રામ પંચાયતનાં સરપંચો અને તાલુકા સદસ્યોં દ્વારા મનરેગા હેઠળ વિકાસકીય યોજનાનાં કામો કર્યા બાદ સરકારી માલ સામાન પુરી પાડતી એજન્સીએ નાણા ન ચૂકવતા સરપંચો સહીત તાલુકા સદસ્યોની કફોડી સ્થિતિ સર્જાઈ છે.

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સને 2022/23માં સરકારી વિકાસ કામો માટે જૂનાગઢની ચામુંડા ટ્રેડિંગ એજન્સીને ટેન્ડર મળ્યા બાદ ગ્રામ પંચાયત હેઠળ મનરેગા યોજનાના વિકાસ કાર્યો માટે જરૂરી માલસામાન પુરી પાડવાની કામગીરી આપવામાં આવી હતી. આહવા તાલુકાનાં કેટલીક ગ્રામ પંચાયતનાં સરપંચોને અને તાલુકા સદસ્યોને એજન્સી દ્વારા સમયસર માલ સામાન ન આપતા સરપંચોએ તથા તાલુકા સદસ્યોએ સ્વયં અન્ય દુકાનોમાંથી માલ સામાન ખરીદી વિકાસનાં કાર્યો પૂર્ણ કર્યા હતા, ત્યારબાદ સરકારી ધારાધોરણ મુજબ સરકારે નક્કી કરેલી એજન્સી દ્વારા જ જીએસટી બિલ સાથે બિલ મંજુર થતા હોય સરપંચો એ ઉપરોક્ત એજન્સીમાં માલ સામાનનાં બીલો મુક્યા હતા, પરંતુ સરકારી ધારાધોરણ મુજબ સરકારે નક્કી કરેલ એજન્સી દ્વારા જ માલ સામાન પહોંચાડવાની જોગવાય હોય સરપંચો દ્વારા અન્ય જગ્યાએથી માલ સામાન ખરીદી બિલ પાસ કરવા ચામુંડા ટ્રેડિંગ એજન્સીને બીલો જમા કરાવતા એજન્સીના સંચાલકો દ્વારા આહવા તાલુકાના અનેક સરપંચો અને તાલુકા સદસ્યોને માલ સામાનનાં રૂપિયા ચૂકવ્યા વગર હાથ અધ્ધર કરી દેતા સરપંચો અને તાલુકા સદસ્યોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આહવા તાલુકાનાં મનરેગા યોજના હેઠળ સરપંચો અને તાલુકા સદસ્યો દ્વારા કામો કર્યા બાદ માલ સામાનનાં પૈસા ચૂકવ્યા વગર એજન્સી રફુચક્કર થતા હાલ સામી દિવાળીએ તેમની કફોડી સ્થિતિ થવા સાથે સમગ્ર પ્રકરણમાં ગ્રામ વિકાસ એજન્સીનાં કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં જૂનાગઢની ચામુંડા ટ્રેડીંગ એજન્સીનાં કોન્ટ્રાક્ટર દ્વારા ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં મનરેગા યોજનામાં ટેન્ડર લીધા બાદ માલ સામાન પણ આપ્યો ન હોય અને માત્ર જી.એસ.ટીનાં બિલો રજૂ કરી નાણા ઉપાડી રફુચક્કર થઈ ગયાની ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. જેમાં સરપંચો અને તાલુકા સદસ્યોને ચામુંડા એજન્સીનાં કોન્ટ્રાક્ટરે ખરા સમયે ઉઠા ભણાવતા સ્થિતિ જાયે તો કહા જાયેની નિર્માણ પામતા તટસ્થ તપાસની માંગ ઉઠી છે. આ બાબતે આહવા તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગંવાદેએ જણાવ્યુ હતુ કે આહવા તાલુકા પંચાયતનાં મનરેગા યોજનામાં ચામુંડા ટ્રેડીંગ એજન્સીની વ્યાપક ફરિયાદો મળી હતી. સાથે સરપંચ અને તાલુકા સદસ્યોએ પણ કામો કરેલ હોય તેઓનાં નીકળતા નાણા આ એજન્સીએ ચૂકવ્યા ન હોવાનું જણાવ્યુ હતુ. જેથી આ એજન્સીને નોટિસની બજવણી કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *