દક્ષિણ ડાંગ વન વિભાગનાં નેજા હેઠળ ગલકુંડ રેન્જમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તમાશા કાર્યક્રમ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા તા.2જી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ વર્ષે પણ વન્યપ્રાણી સંરક્ષણ અંગે ડાંગવાસીઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત દક્ષિણ ડાંગની ગલકુંડ રેન્જમાં જંગલો અને વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ અને સંવર્ધન માટે પરંપરાગત બોલીમાં તમાશા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વલસાડ વન વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજાનાં સૂચના મુજબ દક્ષિણ ડાંગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ. બી.ઓ. પરમારની વનકર્મીઓની ટીમે વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત લોકોમાં જાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ગલકુંડ રેંજ દ્વારા તમાશા દ્વારા વન્યજીવ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વન્યજીવોની મહત્વતા, તેમના સંરક્ષણ માટેનાં પગલા અને વન્યજીવ સંરક્ષણમાં દરેક વ્યક્તિની ભૂમિકા જેવા વિષયો પર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા રજૂ કરાયેલ વિવિધ પ્રકારની એક્ટિંગથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ તમાશાઓ દ્વારા વન્યજીવ સંરક્ષણનાં સંદેશને એક રસપ્રદ અને મનોરંજક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો વન્યજીવ સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ જ મહત્વના છે. આવા કાર્યક્રમો દ્વારા લોકો વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ બને છે અને તેમના સંરક્ષણ માટે સહકાર આપવા માટે પ્રેરિતથાય છે. આ તમાશા કાર્યક્રમને સફળ બનાવવા માટે ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ. બી.ઓ. પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.