કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ” અને “ટેક્નોલોજી સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ” અને “ટેક્નોલોજી સપ્તાહ”ની તા.૨૩ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ (દિન-૬) સુધી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કૃષિને લગતી વિવિધ તાંત્રિકતાઓ જેવી કે ડાંગરમાં લાઈન પધ્ધત્તિથી રોપણી, આંબા અને શાકભાજીમાં ફળમાખી ટ્રેપનો ઉપયોગ, નાગલીની આધુનિક ખેતી પધ્ધત્તિ અને તેનું મૂલ્યવર્ધન, બીજ ઉત્પાદન, માર્કેટીંગ વ્યવસ્થાપન, પ્રાકૃત્તિક ખેતી પધ્ધત્તિ, પ્લગ ટ્રે દ્વારા ધરૂ ઉછેર, અળસીયા ખાતરનો ઉપયોગ, અઝોલાનું મહત્વ, વાંસની બનાવટો, આંબાની કલમ બનાવવાની પધ્ધતિ, ૧૫૫૧, ૧૮૧, ૧૦૦ વિગેરે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ, ટકાઉ ખેતી અને આજીવિકા વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિઓ, પાક વૈવિધ્યકરણ, એગ્રી-બિઝનેસ અને વેલ્યુ એડીશન, પશુધન વ્યવસ્થાપન અને સંલગ્ન કૃષિ, ખેડૂતો માટે નાણાંકીય અને સરકારી સહાય, સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા વિગેરેની માહિતી આપવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન સ્વર્ણ સમૃધ્ધિ રથ દ્વારા ડાંગ જિલ્લાના અલગ-અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક તાંત્રિકતા વિશે જાગૃત કર્યા હતા.
આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન-વ-પરિસંવાદ, વ્યાખ્યાન, એક્ઝીબીશન, ફીલ્મ શો, ફાર્મ વિઝીટ, ઈનપુટ ડીસ્ટ્રીબ્યુશન, કિશાન ગોષ્ઠી, નાટક, રેલી, પધ્ધત્તિ નિદર્શન, ગૃપ મિટીંગ વિગેરે કાર્યક્રમો કરવામાં આવેલ હતા. આ ઉપરાંત કાર્યક્રમોને અનુરૂપ ફોલ્ડર/લીફલેટ વહેંચણી પણ કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન શ્રી વિજયભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર અને માનનીય ધારાસભ્યશ્રી, ડાંગ તેમજ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઈન, માનનીય પ્રમુખશ્રી, ડાંગ જીલ્લા પંચાયત, આહવા-ડાંગ, ડૉ. હેમંત શર્મા, ડૉ. એલ.વી. ઘેટીયા, ડો. અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સપ્તાહમાં રીલાયન્સ ફાઉન્ડેશન, ખેડૂત તાલિમ કેન્દ્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સખી મંડળો, એફ.પી.ઓ., સેવાધામ, વિગેરે સંસ્થાઓ જોડાઈ હતી. આ સપ્તાહમાં આશરે ૧૧૦૦ થી વધુ ખેડૂતોએ ભાગ લઈને ખેતીની નવિન તાંત્રીકતા પોતાના ખેતર ઉપર અપનાવવા કટીબધ્ધ થયા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.