ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે પણ વરસાદની હેલીઓ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.છેલ્લા પાંચ દિવસથી ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.શુક્રવારે સાંજથી શનિવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ,ગલકુંડ,શામગહાન,સાપુતારા, મોટામાંળુગા,સાકરપાતળ,વઘઇ,ઝાવડા,ભેંસકાતરી,મહાલ,બરડીપાડા, સુબિર,સિંગાણા,ચીંચલી, ગારખડી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલના પગલે પ્રવાસન સ્થળોનું વાતાવરણ નિખરી ઉઠયુ હતુ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે નાના મોટા જળધોધ પણ આકર્ષક મુદ્રામાં આવી જઈ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શનિવારે દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા પંથકમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ ખાબકતા સર્વત્ર રેલમછેલ ફરી વળી હતી.સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ મનમોહક બન્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 11 મિમી,આહવા પંથકમાં 21 મિમી,વઘઇ પંથકમાં 26મિમી અર્થાત 1.04 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.