શાસ્ત્રીય સંગીત વિશારદમાં રાજ્ય કક્ષાએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર દેવાંશી પટેલનું વડોદરા ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું
શાસ્ત્રીય સંગીત વિશારદમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારતી ભાંડુત ગામની દેવાંશી પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રણવ પારીજાત ટ્રસ્ટ સંચાલિત મહાગુજરાત ગંધર્વ સમિતિ દ્વારા નવેમ્બર 2021 માં લેવાયેલી શાસ્ત્રીય સંગીત વિશારદ (વોકલ)ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી દેવાંશી કનૈયાલાલ પટેલે ઝળહળતી સિધ્ધિ હાંસલ કરેલ છે. ગતરોજ પ્રણવ પારીજાત ટ્રસ્ટ દ્વારા વડોદરા ખાતે આયોજીત સ્નેહ સંમેલન અને મેડલ વિતરણ સમારંભમાં કુમારી દેવાંશીને ઉપસ્થિત મહાનુભવોને હસ્તે ગોલ્ડ મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સંગીત ગાયન અને વાદનમાં એપ્રિલ 2020 થી નવેમ્બર 2021 માં લેવાયેલી સંગીત વિશારદ (વોકલ)ની પરીક્ષામાં કલાગુરુ દિપકભાઈ કંસારા સંચાલિત સ્વરમ એકેડેમીમાંથી 6 જેટલાં વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, જે કલાગુરુ તથા સંગીત સાધકોની મહેનતની ફળશ્રુતિ છે.
સુરત શહેરનાં જહાંગીરપુરા વિસ્તારની વૃંદાવન સોસાયટીનાં નિવાસી સારસ્વત દંપતી કનૈયા પટેલ અને સંગીતા પટેલની આ પ્રતિભાવંત દીકરીએ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. આ ઝળહળતી સિધ્ધિ બદલ કુમારી દેવાંશીને ભાંડુત ગ્રામજનો ઉપરાંત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તાલુકાનાં સારસ્વત મિત્રોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.