રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

Contact News Publisher

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ
——————
આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા
——————
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો આજરોજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો.

તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938 લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.
આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંસદીય બાબતો પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળાનો જનસેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. રાજ્યના ગરીબો અને અંત્યોદય સ્વાભિમાનપૂર્વક જીવે એવી રાજ્ય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળો સાર્થક કરી રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યાં છે. આજે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ મળે છે જેના કારણે ગુજરાતની ગતિ-પ્રગતિમાં પણ વધારો થયો છે. સરકારની જનહિતલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ લાભાર્થીઓને આવરી લઈ ગરીબોના હક્કના નાણાં સીધા તેમના જ હાથમાં આવી રહ્યાં છે. વચેટિયાઓની નાબૂદી કરવા સાથે લાભાર્થીઓને તેમના હક્કનો લાભ સીધેસીધો તેમના બેંકખાતામાં જમા થઈ રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અત્યાર સુધી યોજાયેલા કુલ ૧૩ ગરીબ કલ્યાણ મેળાઓમાં ૧ કરોડ ૬૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૩૬ હજાર ૮૦૦ કરોડના લાભો હાથો-હાથ મળી શક્યા છે અને આ યજ્ઞ થકી અવિરત સેવા હજુ ચાલુ જ રહેશે. તેમણે ઉજ્જવલા યોજના, જનધન યોજના, જનની વીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ઔષધી કેન્દ્ર સહિતની યોજનાઓ દ્વારા લોકોને થયેલા લાભની વાત રજૂ કરી આ સરકાર ગરીબ, વંચિત, પીડિત અને શોષિતોની છે એમ જણાવી સરકારે શિક્ષણથી આરોગ્ય સુધી લોકોની લીધેલી દરકારની વાત વિસ્તૃત વર્ણવી હતી. રાજ્ય સરકારના પારદર્શી, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ નિર્ણયોના કારણે સામાન્ય વર્ગ પણ સુખી અને સંપન્ન થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે યોગ્ય નાગરિકોને મદદરૂપ થવાના આશયને પરિપૂર્ણ કરવા માટે યોજાઈ રહેલા આ ગરીબ કલ્યાણ મેળાથી રાજ્યના નાગરિકો આર્થિક ઉન્નતિ કરી શકશે તેમજ લાભાર્થીઓને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આપણા જિલ્લા અને રાજ્યને નવી દિશા મળી રહી છે, નવી શિક્ષણ નીતિથી આવનારી પેઢીનું જીવન ધોરણ બદલશે અને તેમજ દિવ્યાંગજનોને સક્ષમ કરવા માટેની કેટલીય યોજનાઓ લાગુ પાડવામાં આવી છે.
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહ સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને લાભાર્થીઓને તાપી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણમેળામાં આવકાર્યા હતા.

અહી જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ ખાતે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ ગરીબ કલ્યાણ મેળાના સ્થળે સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પ, મહેસૂલ તથા પુરવઠા શાખા, મહિલા અને બાળ વિકાસ શાખા, લીડ બેંક, શહેરી વિકાસ, વાસ્મો, બાગાયત અને આત્મા શાખા, સામાજિક વન વિભાગ, પશુપાલન અને ખેતીવાડી શાખા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ બાદ પ્રદર્શિત કરાયેલા વિવિધ વિભાગોના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ ગરીબકલ્યાણ મેળામાં ધારાસભ્ય સર્વેશ્રીઓ મોહનભાઈ કોંકણી, શ્રી ડો. જયરામભાઈ ગામિત, શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંગ વસાવા, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *