બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં ગણિત વિષયનાં શિક્ષકો માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development-CPD) નાં ભાગરૂપે તેમજ GOAL (Gujarat Outcomes for Accelerated Learning) DLI-4 તેમજ School of Excellence (SoE) પ્રોજેક્ટ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ આધારિત ધોરણ 6 થી 8 નાં ગણિત વિષયનાં શિક્ષકોની તાલીમ અત્રેનાં બીઆરસી ભવન, ઓલપાડ ખાતે યોજવામાં આવી હતી.
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રારંભિક દિવસે તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષયક ચર્ચા હાથ ધરી તાલીમનો હેતુ ફળિભૂત કરવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
સદર તાલીમ વર્ગમાં વિષયવસ્તુનાં કઠિન બિંદુઓ તથા કઠિન અધ્યયન નિષ્પત્તિઓને સરળ રીતે વર્ગખંડ કાર્યમાં રજૂ કરી શકાય એવી વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓથી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. આ માટે તજજ્ઞ તરીકે કામિની પટેલ (કુવાદ), કીર્તિ પંચાલ (સ્યાદલા), દર્શના પટેલ (માસમા), ભાર્ગવપ્રસાદ ત્રિવેદી (પરીયા), નીશા પાટણવાડિયા (કીમ) તથા
જનક ટેલર (વિહારા) એ ઉત્કૃષ્ટ ભૂમિકા બજાવી હતી. તાલીમનાં પ્રારંભે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. આ સાથે તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.