સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પ્રેરિત સાયબર જાગૃતિ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સાયબર જાગૃતિ અર્થે સુરત જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્કૂલ એકિટવેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા અંગેનાં પરિપત્ર અનુસાર જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન માલીબા કેમ્પસ, ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
“Think, before you click” ની થીમ પર યોજાયેલ આ સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ વિજેતા વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ સહર્ષ ભાગ લીધો હતો. શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં માધ્યમ થકી ગ્રામ્ય વિસ્તારનાં નાગરિકો સાયબર ક્રાઈમની વિવિધ મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર થાય અને તે સાથે લોકો ડિજિટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને એવાં શુભ હેતુસર યોજાયેલ આ સ્પર્ધા પ્રસંગે ડી.વાય.એસ.પી., એસ.ઓ.જી.પી.આઈ., સાયબર ક્રાઇમ પી.આઈ., જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ સ્પર્ધકોને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતાં.
ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયેલ અત્રેની જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઓલપાડ તાલુકાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ભાઈ-બહેનોએ ઝળહળતો દેખાવ કર્યો હતો. વિધાર્થી વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં મિષા પટેલ (કુંદિયાણા) પ્રથમ, રંગોળી સ્પર્ધામાં અંશિકા યાદવ (અસ્નાબાદ) દ્વિતીય, એક મિનિટ વિડીયોમાં હર્ષ સોલંકી (કીમ) દ્વિતીય, મૂક નાટકમાં કુંદિયાણા પ્રાથમિક શાળા દ્વિતીય અને કરમલા પ્રાથમિક શાળા તૃતિય, યુવા એમ્બેસેટર સ્પર્ધામાં અનુપમ મોર્ય (સાયણ) જ્યારે શિક્ષક વિભાગમાં રંગોળી સ્પર્ધામાં ચંપા આહિર (અરીયાણા) દ્વિતીય તથા એકપાત્રિય અભિનયમાં સુનિતા ક્રિશ્ચિયન (સીથાણ) દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયાં હતાં. તમામ વિજેતાઓને ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે આર.જે.વીરે સેવા બજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ નિરીક્ષક સંગીતા મિસ્ત્રીએ જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.