કીમ નગરની સરકારી પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં નિવૃત્તિ વિદાયમાન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આનંદમેળો એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે પ્રાર્થના બાદ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામા આવી હતી. વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં શાળા પરિવારે શિક્ષિકા કીલુબેન મગનભાઈ ગામીતને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે સન્માનિત કરી ભાવભરી વિદાય આપી હતી. આ તકે ધોરણ-1 થી 5 નાં ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અવનવી કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કીમ કેન્દ્રની તમામ શાળાઓમાં નોટબુકનું દાન આપનાર દાતા એવાં ડો.અજયભાઈ ઉપાધ્યાય, ડો.આનંદભાઈ ઉપાધ્યાય, શાળાનાં નિવૃત્ત શિક્ષક રામુભાઈ પટેલ, જિલ્લા સંઘનાં કારોબારી સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ અને સભ્યો તથા આકાશભાઈ પટેલ જેવાં મહેમાનોનાં હસ્તે તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય કબડ્ડીની રમતમાં વિજેતા સ્થાનિક શાળાની ટીમ તેમજ કલસ્ટર કક્ષાનાં વિજ્ઞાનમેળામાં વિભાગ-1 માં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડૉ.અજયભાઈ અને ડૉ.આનંદભાઈ દ્વારા ધોરણ-1 થી 5 નાં તમામ બાળકોને પેન્ટ અને ટી શર્ટનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેને સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં શિક્ષિકા આરતીબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ બાદ યોજાયેલ આનંદમેળાની શાળાનાં બાળકો, શિક્ષકો, વાલીઓ, આજુબાજુની શાળાનાં મુખ્યશિક્ષકો સહિત ઉપસ્થિત મહેમાનોએ મોજ માણી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.