ગૌ રક્ષા કાર્યકર્તાઓ દ્વારા ઓલપાડ અને સાયણ ટાઉનમાં રખડતી ગાયોનાં ગળે રેડિયમ બેલ્ટ બાંધવાની સરાહનીય કામગીરી કરવામાં આવી
ગાય અને વાહનચાલક એમ બંને પક્ષે ફાયદાકારક કામગીરીને હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મમાં ગાયનાં શરીરમાં બધાં દેવી દેવતાનો વાસ છે એવું માનવામાં આવે છે. તેથી જ ગાય હિંદુ ધર્મમાં ગૌ માતા તરીકે પૂજનીય છે. પૌરાણિક શાસ્ત્રોમાં ગાયને પૃથ્વી, બ્રહ્માંડ અને દેવગણનું પ્રતિક પણ માનવામાં આવે છે.
દેશમાં કેટલાંય જીવદયા પ્રેમીઓ બિમાર ગાયોની સારવાર, કતલખાને લઈ જવાતી ગાયોનો બચાવ જેવાં વિવિધ સેવાકીય કાર્યો કરતાં હોય છે, ત્યારે રખડતી ગાયોને રાત્રિનાં સમયે વાહનોની અડફટે આવતાં બચાવવા અને તેની સાથે વાહનચાલકોની પણ સલામતી અર્થે ઓલપાડ તાલુકાનાં એક ગૌ રક્ષક ગૃપની નોંધનીય બાબત પ્રકાશમાં આવી છે. આ વિશે વધુ માહિતી આપતાં ઓલપાડનાં સામાજિક કાર્યકર અને ગૌ રક્ષક હર્ષદ ગોરાણીએ જણાવ્યું હતું કે તાલુકાનાં ગૌ રક્ષાનાં સક્રિય કાર્યકર્તાઓ એવાં મનિષ વણઝારા, મુકેશ વણઝારા, સુનિલ વણઝારા, રાહુલ વણઝારા, સુજલ વણઝારા, વેદ ગોરાણી, અરવિંદ ગૌતમ, પપ્પુ યોગી, મેહુલ ભરવાડ, જયેશ ભરવાડ વિગેરે યુવાનોએ મળી તાજેતરમાં ઓલપાડ અને સાયણ ટાઉનમાં રખડતી ગાયોનાં ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું ઉમદા કાર્ય હાથ ધરેલ હતું. આ ગૌ રક્ષકોએ ગાય અને વાહનચાલક એમ બંને પક્ષે ફાયદાકારક સરાહનીય કામગીરી કરી સમાજને હકારાત્મક સંદેશ પહોંચાડ્યો છે.
આ તકે ધાર્મિક રીતે પૂજનીય અને આર્થિક રીતે લાભદાયી એવી ગાયની સેવા, સંરક્ષણ, જતન અને ભારતીય પ્રાચીન પરંપરા મુજબ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સન્માન કરતાં રહેવા આ ગૌ રક્ષકોએ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.