સાપુતારા ઘાટ માં માલવાહક કન્ટેનર અને ટાટા ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત
સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ટાટા ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતનાં પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી..
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ડુંગળીનો જથ્થો ભરી રાજકોટ જઈ રહેલ ટાટા ટ્રક.ન.કે.એ.28.એ.એ.3704 અને અમદાવાદ તરફથી માલસામાનનો જથ્થો ભરી પુણે તરફ જઈ રહેલ કન્ટેનર જે બન્ને સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનરનાં બોનેટનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.જ્યારે ડુંગળીનો જથ્થો ભરેલ ટાટા ટ્રક ધડાકાભેર પલ્ટી મારી જતા ડુંગળીનો જથ્થો વેરવિખેર થઈ જવાની સાથે જંગી નુકસાન થયુ હતુ.સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનાં પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.અને વાહનોની કલાકો સુધી કતારો જામી હતી.જોકે આ બનાવ અંગેની જાણ સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલની ટીમને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે ધસી ગયા હતા.અને સ્થળ પર પરિસ્થિતિને કાબુમાં લેતા એક સાઈડનો માર્ગ ખુલ્લો કરી માર્ગ પૂર્વરત કર્યો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.