ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૨૧ : આગામી સમયમા યોજનારા ‘ગરીબ કલ્યાણ મેળા’ સહિત તાલુકા/જિલ્લા કક્ષાના ‘સ્વાગત કાર્યક્રમ’, માનનીય રાજ્યપાલશ્રીનો સંભવિત કાર્યક્રમ તથા અન્ય ચાલી રહેલા કાર્યક્રમોની અગત્યતા અને ઉપયોગિતા જોતા, જિલ્લાના દરેક વિભાગ/કચેરીઓના અધિકારી/કર્મચારીઓની મુખ્ય મથક ખાતે હાજરી અનિવાર્ય છે. તેમ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ હતુ.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા કલેકટર શ્રી મહેશ પટેલે, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી.
પદાધિકારીઓના પ્રશ્નો/રજૂઆતો સહિત RTI, નાગરિક અધિકાર પત્ર જેવા વિષયોના નિયત રજીસ્ટરો સહિતના દસ્તાવેજો, નિયમોનુસાર નિભાવવાની સૂચના પણ કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને આપી હતી.
સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત સરકારી જમીન/મકાનો જેવી અસ્કયામતોમા થયેલા અનધિકૃત દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહીની સૂચના પણ, કલેકટરશ્રીએ જિલ્લા અધિકારીઓને આપી હતી.
જિલ્લા સંકલન સમિતિ સહિત અન્ય શ્રેણીબદ્ધ બેઠકોમા જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર શ્રી મહેશ પટેલે, જિલ્લામા ખાતમુહૂર્ત અને લોકાર્પણના સંભવિત કામો/પ્રોજેકટોની વિગતો પણ સત્વરે મોકલી આપવા, સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
‘સ્વચ્છતા હી સેવા’ ની ચાલી રહેલી કામગીરીની સાથે સાથે, જે તે કચેરીઓના દફ્તર વર્ગીકરણ અને બિન ઉપયોગી ભંગાર/ફર્નિચરના નિકાલ, આઈ.ટી સાધનોનો નિકાલ જેવી કામગીરી પણ હાથ ધરવાની કલેકટરશ્રીએ સૂચના આપી હતી,
બેઠકમા જિલ્લામા સ્વાસ્થ્ય સબંધિત બાબતો, નશામુક્ત ભારત અભિયાનની બાબતો, શિક્ષણની સ્થિતિ, CM ડેશબોર્ડ, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, સોશિયલ મીડિયા સહિત વહીવટમા ટેકોનોલોજીનો સમન્વય, નવી ખરીદી વેચાણ નીતિ, સેવા સેતુ કાર્યક્રમ જેવા મુદ્દે સવિસ્તાર ચર્ચા વિચારણા કરી, કલેકટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.ચૌધરી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે સૂક્ષ્મ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
ડાંગ જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલી આ બેઠકમા નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત ઉચ્ચ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓએ ઉપસ્થ્તિ રહી ચર્ચામા ભાગ લીધો હતો.
દરમિયાન કલેકટરશ્રીએ રાજ્ય/કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમા RTI, ACB, મહિલા સતામણી સમિતિ, કંટ્રોલ રૂમના વિગેરેના નંબરો, ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર, નશામુક્ત ભારત અભિયાન સહિતના નિયત બોર્ડ ફરજિયાત ડિસ્પ્લે કરવાની પણ સૂચના આપી હતી.
જિલ્લામા ખુલ્લામા બોર/કૂવા, ગટર લાઇન જેવા સ્થળોની ચકાસણી અને સલામતીના પગલાઓ, ડિઝાસ્ટર વિષયક નુકશાની-સર્વે અને રાહત ચુકવણી જેવા મુદ્દાની પણ ઘનિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરવામા આવી હતી.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.