તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય અંડર 14 કબડ્ડી સ્પર્ધામાં કીમ પ્રાથમિક શાળાની ટીમ ચેમ્પિયન બની
આક્રમક દેખાવ દ્વારા અવ્વલ સ્થાન હાંસલ કરી વિદ્યાર્થીનીઓએ પોતાની શાળાનું ગૌરવ વધાર્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સુરત દ્વારા આયોજીત અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન તા. 18-09-2024 નાં રોજ ઓલપાડ તાલુકાનાં જોથાણ ગામ સ્થિત કે.વી.એમ. વિદ્યાલય, જોથાણ ખાતે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાની આ અંડર 14 કબડ્ડી સ્પર્ધાનાં બહેનોનાં વિભાગમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળાની ટીમ ચેમ્પિયન બની હતી.
લીગ સ્પર્ધાનાં અંતે કીમ પ્રાથમિક શાળા તથા ધનવંતરી કેમ્પસ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. પુષ્પા યાદવની કપ્તાની હેઠળ કીમ પ્રાથમિક શાળાની સ્પર્ધક વિદ્યાર્થીનીઓએ આક્રમક રમત દ્વારા પ્રતિસ્પર્ધીઓને પછાડી ઝળહળતો વિજય હાંસલ કરવા સાથે ચેમ્પિયન બની હતી. આ તકે શાળાનાં આચાર્ય દિનેશચંદ્ર પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે ચેમ્પિયન ટીમ સહિત ખેલ સહાયક એવાં માર્ગદર્શક શિક્ષિકા જીગીશા પટેલને અભિનંદન પાઠવ્યા હતાં.
આગામી સુરત ગ્રામ્ય જિલ્લા ચેમ્પિયનશીપમાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર આ ટીમને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર એવાં બ્રિજેશ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા પરિવાર સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.