ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકની ટીમે ગણતરીનાં કલાકોમાં જ હત્યાનો કેસ ઉકેલી આરોપીને સળિયા પાછળ ધકેલ્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં પાંઢરપાડા ગામ ખાતે પતિ-પત્ની વચ્ચે પ્રધાનમંત્રી આવાસનાં મકાન બનાવવાનાં કામ બાબતે ઝઘડો થયો હતો.જેમાં પતિએ કુહાડી વડે હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.જે બાદ સમગ્ર મામલો સુબિર પોલીસ મથકે પહોંચ્યો હતો.ત્યારે સુબીર પોલીસ મથકની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને સળિયા પાછળ ધકેલ્યો હતો.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તથા સી.પી.આઈ. વી.કે.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.જે.ચૌધરીની ટીમે મર્ડરનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી સરાહનીય કામગીરી હાથ ધરી છે. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં પાંઢરપાડા ગામ ખાતે રહેતા કમલેશભાઈ માંગ્યા ભાઈ પવાર અને તેમની પત્ની વચ્ચે પ્રધાનમંત્રી આવાસનાં મકાન બનાવવાના કામ બાબતે ઝઘડો તકરાર થયો હતો.ત્યારે ગુસ્સામાં આવી પતિએ કુહાડીથી પત્ની પર હુમલો કર્યો હતો અને કુહાડી વડે જડબાના ભાગે ઘા કર્યો હતો.તથા લાકડાનો દંડો કાઢી લાકડાના દંડા થી પત્નીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.જેમા તેણીનું મોત નીપજ્યુ હતુ.ત્યારે પતિ દ્વારા જ પત્નીની હત્યા કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જેથી સુબીર પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને અટકાયત કરવા પોતાના ચક્ર ગતિમાન કર્યા હતા.ત્યારે સુબીર પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.ચૌધરીની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..