પ્રાથમિક શિક્ષકોનાં જિલ્લા આંતરિક બદલીનાં રજિસ્ટ્રેશનમાં સુધારાની માંગણીનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે હાલમાં જિલ્લા આંતરિક ઓનલાઈન બદલીનો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયેલ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં જો શિક્ષકોથી ભુલ થઈ હોય તો તેને સુધારવા માટેની તક મળતી ન હોવાથી શિક્ષકો ભારે મુંઝવણ અનુભવી રહ્યાં હતાં. અરજદારને ફોર્મમાં સુધારો કરવાની તક મળતી ન હોવાનાં કારણે તેમનાં ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા ઉભી થવા પામી હતી. જે સંદર્ભે શિક્ષકોને રજિસ્ટ્રેશનમાં સુધારો કરવાની તક મળી રહે તે માટે પ્રાથમિક નિયામકની કચેરીને નમ્ર રજૂઆત કરવામાં આવી હતી. હતી. જેનાં પગલે શિક્ષકો દ્વારા પોર્ટલ પર ઓનલાઈન બદલી ફોર્મ ભરતી વખતે થયેલ ક્ષતિ અંગેનાં સુધારાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-શાસનાધિકારીનાં લોગીનમાંથી કરવાનો સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી હાલમાં શરૂ કરાયેલ છે જે 10 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. અરજદારે ક્ષતિવાળા અરજી ફોર્મની પ્રિન્ટ મેળવીને ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે થયેલી ક્ષતિ માટેનાં સુધારા માટે આ ફોર્મ જમા કરાવેલું છે એ મુજબનું લખાણ લખી સહી કરવાની રહેશે.
બીજીતરફ જો કોઈ અરજદાર શિક્ષકે પોર્ટલ પર ઓનલાઇન અરજી ફાઈનલ સબમીટ કરેલ હોય અને સંજોગોવસાત તે અરજી રદ કરવા માંગે તો તેમણે લેખિત અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- શાસનાધિકારીને આપી પોતાની અરજી રિજેક્ટ કરી શકશે. માહિતી અનુસાર જિલ્લા કક્ષાએથી જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી અંગેનાં ફોર્મ એપ્રુવ/રિજેક્ટ કરવાની કાર્યવાહી 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે.