તાપી જિલ્લામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીથી કોઈ મુશ્કેલી ન વર્તાઇ તેવું સૂચારું આયોજન કરવા આદિજાતિ મંત્રી વસાવાનો અનુરોધ
રાજ્ય સરકાર દ્વારા રૂ.57 કરોડના ખર્ચે “કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના” મંજૂર કરવામાં આવી છે જેનો લાભ આગામી સમયમાં 51 ગામોના પ્રજાજનોને મળી રહેશે – મંત્રી ગણપતસિંહ વસાવા
સોનગઢ ખાતે યોજાઇ તાપી જિલ્લાની પીવાના પાણી અંગેની સમિક્ષા બેઠક
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: 30: તાપી જિલ્લાના પ્રજાજનોને ચાલુ ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે સૂચારું આયોજન કરીને, તેના અસરકારક અમલીકરણ ઉપર ભાર મુક્તા વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ, ગ્રામ્ય વિસ્તારઓમાં હેન્ડપંપ રિપેરિંગ બાબતે જિલ્લાના સરપંચોની ભૂમિકા સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે.
તાજેતરમાં તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રી શ્રી વસાવાએ સોનગઢના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, ડી.સી.એફ. શ્રી આનંદ કુમાર સહિત પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુધાકર દુબે સહિતના અધિકારીઓ સાથે પાણીની પરિસ્થિતી અંગે સમિક્ષા બેઠક યોજી, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના પાણીના મુખ્ય સ્ત્રોત એવા હેન્ડપંપ મરામત બાબતે વિશેસ લક્ષ કેન્દ્રિત કરવાની સૂચના આપતા મંત્રીશ્રીએ પીવાના પાણીના પ્રશ્ને તેના સત્વરે નિરાકરણ ની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા કુકરમુંડા તાલુકાનાં 51 ગામોને સાંકળતી તાપી નદી આધારિત “કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના” કે જે રૂ.57 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે, તેનો લાભ આગામી સમયમાં આ સરહદી તાલુકાનાં પ્રજાજનોને મળી રહેશે તેમ પણ મંત્રી શ્રી વસાવાએ પૂરક વિગતો રજૂ કરતાં જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.242.68 લાખનો અછત કંટીજન્સી પ્લાન તૈયાર કરાયો છે. તાપી જિલ્લાના 488 ગામો પૈકી પાણીની સંભવિત ઘટ ધરાવતા 55 ગામો છે.
તાપી જિલ્લામાં 17545 હેન્ડપંપ તથા 2278 મિનિ પાઇપ લાઇન યોજનાઓ કાર્યરત છે, તેમ જણાવતા કાર્યપાલક ઇજનેર શ્રી સુધાકર દુબેએ પૂરક વિગતો આપતા જિલ્લાના સાતેય તાલુકાઓમાં છેલ્લા દસ દિવસો દરમિયાન 135 હેન્ડપંપ દુરસ્ત કરવામાં આવ્યા છે, તેમ જણાવ્યુ હતું.
તાપી જિલ્લામાં વાસ્મો દ્વારા 539 જેટલી પીવાના પાણીની યોજનાઓ લોકભાગીદારીથી પૂર્ણ કરાઇ હોવાનું જણાવતા શ્રી દુબેએ જિલ્લામાં વાસ્મોની અન્ય 89 જેટલી યોજનાઓ પ્રગતિ હેઠળ છે તેમ પણ જણાવ્યુ હતું. ઘર જોડાણ યોજના હેઠળ 1,58,083 ઘરોને આવરી લેવામાં આવી હોવાનું જણાવી, બાકી 54,406 ઘરોને “નલ સે જલ” યોજના હેઠળ આવરી લેવાનું આયોજન કરાયું હોવાનું, તથા જિલ્લાના 488 ગામો પૈકી 332 ગામોનો જુદી જુદી 12 જેટલી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ સમાવેશ કરાયો હોવાનું પણ કાર્યપાલક ઇજનેર શ્રી સુધાકર દુબેએ વધુમાં જણાવ્યુ હતું.
સોનગઢ સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ બેઠક્માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર શ્રી જયરામભાઈ ગામિત સહિતના સ્થાનિક પદાધિકારીઓ, અને જિલ્લાના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
–