ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સહિત આઠ ગામોની જીવાદોરી એવો “ ભીસ્યા ડેમ” થયો ઓવર ફ્લો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ૩૧ : શ્રીકાર વર્ષા બાદ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સહિત આસપાસના આઠ ગામોની પાણીની તરસ છિપાવતો “ભીસ્યા ડેમ“ ઓવર ફ્લો થવા પામ્યો છે.
આહવા નગરથી પૂર્વે આઠેક કિલોમીટરના અંતરે આવેલા આ ડેમ આધારિત “ભીસ્યા જુથ પાણી પુરવઠા યોજનાના” હેઠળ સને ૧૯૮૭થી, આઠ ગામોના ૪૧ હજારથી વધુ લોકોને પાણી પહોચાડવામાં આવી રહ્યું છે.
ઉલેખનીય છે, કે સને ૧૯૮૪માં જે તે વખતે રૂ.૧૮.૯૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ યોજનાના સોર્સ તરીકે, ડેમ તથા કૂવાનો સમાવેશ કરાયો હતો. જેમાં ભીસ્યા, ચનખલ, પિપલ્યામાળ, નિલશાકિયા, ગોંડલવિહિર, ઘૂબીટા, બોરખેત, અને આહવા ટાઉનનો સમાવેશ કરાયો છે.
૩૮.૧૭ મીટર ક્યુસેક ફિટની ક્ષમતા ધરાવતા ભીસ્યા ડેમને તેની જરૂરિયાત મુજબ સમયાંતરે અપગ્રેડ કરીને, પ્રજાજનોને પાણી પુરવઠો પહોચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભીસ્યા ડેમની તકનિકી વિગતો જોઈએ તો, આ યોજનામાં સોર્સ તરીકે ૬.૦૦ મી. વ્યાસ, અને ૧૫.૦૦ મી. ઉડો કૂવા બનાવવામાં આવેલ છે. આ કુવામાં ૭.૫૦ હોર્સ પાવર, અને ૩૨૦ એલ.પી.એમ.ની પમ્પીંગ મશીનરી ગોઠવવામાં આવેલ છે. જયાંથી પમ્પીંગ કરી, લશ્કરીયા હેડવર્કસ ખાતે બનાવવામાં આવેલ ૫૦૦૦૦ લી. ક્ષમતાના ભૂગર્ભ ટાંકામાં, પાણી ભ૨વામાં આવે છે. સદર ટાંકામાં ૧૫.૦૦ હોર્સ પાવર, ૩૨૦ એલ.પી.એમ.ની પમ્પીંગ મશીનરી ઉતારી, સમાવિષ્ટ ગામોમાં બનાવવામાં આવેલ સ્ટ્રકચર સાથે, એચ.ડી.પી.ઈ. ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. જયાંથી ગામોના સ્ટેન્ડ પોસ્ટ અને હવાડાઓમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે.
આ જુથ યોજનામાં રાઈઝીંગ મેઈન અને ડીસ્ટ્રીબ્યુશન કુલ ૨૨ કિ.મી.ની જી.આઈ.પાઈપ લાઈન છે. તેમજ ભીસ્યા ડેમ ખાતે ડાઉન સ્ટ્રીમમાં આવેલ કુવામાંથી, પંમ્પીંગ મશીનરી દ્વારા, વધારાના પીવાના પાણીની જરૂરીયાત પ્રમાણે લશ્કર્યા હેડવર્કસ ખાતે આવેલ ભૂગર્ભ ટાંકામાં પાણી ભરવામાં આવે છે. ઉનાળા દરમિયાન સદર કુવામાં પાણી ખૂટી જવા પામે છે ત્યારે, ભીસ્યા ડેમમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ભીસ્યા જુથ ડેમ તથા કુવાના સોર્સ આધારિત, જયારે આહવા નગરને પણ ભીસ્યા ખાતે આવેલ ભીસ્યા નાળા ડેમમાંથી ૨.૬૫ એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનું શુધ્ધિકરણ કરી, ફિલ્ટર પ્લાન્ટથી ૩૦૦ એમ.એમ ડાયાની એમ.એસ તથા ડી.આઈ. ગ્રેવીટી પાઈપલાઈન ધ્વારા આહવા એમ.બી.આર સુધીની કુલ ૮ કિ.મી. લંબાઈની પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી, આહવા જલભવન ખાતેના ૪૦ લાખ લી. ક્ષમતાના ભૂગર્ભ સંમ્પમાં સંગ્રહ કરવામાં આવે છે. જયારે નિલશાક્યા ડેમમાંથી પંમ્પીંગ કરી ૨૪.૦૦ લાખ લી. કેપેસીટીનો સંમ્પ ભરવામાં આવે છે. જે સંમ્પમાંથી પંમ્પીંગ કરી ૪૦ લાખ લી. ક્ષમતાના ભૂગર્ભ સંમ્પમાં પાણી ભરવામાં આવે છે. જયાંથી આહવા ખાતે આવેલ જુદા-જુદા વિસ્તારમાં જેવા કે સર્કિટ હાઉસ ખાતે ૧૫.૦૦ લાખ લીટર, સેવાધામ ખાતે ૯.૦૦ લાખ લી. અન્ડર ગ્રાઉન્ડ સંમ્પમાં પાણી સપ્લાય કરવામાં આવે છે, અને આ અન્ડર ગ્રાઉન્ડ સંમ્પમાંથી આહવા નગરને ડીસ્ટ્રીબ્યુશનથી પાઈપલાઈન ધ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત ધ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે.
–