“આદિવાસી વિસ્તારના સખી મંડળના બહેનો માટે કૃષિ પેદાશોના વેચાણ અંગેની વ્યુહરચના” ઉપર ૩ દિવસીય તાલિમ યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. એલ. વી. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ તેમજ વિસ્તરણ શિક્ષણ ઈન્સ્ટીટ્યુટ, આણંદના સંયુક્ત ઉપક્રમે તા.૨૭/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ (દિન-૩) સુધી “આદિવાસી વિસ્તારના સખી મંડળના બહેનો માટે કૃષિ પેદાશોના વેચાણ અંગેની વ્યુહરચના” વિષય ઉપર ૩ દિવસીય તાલિમનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલિમની અંદર સખી મંડળ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓને મૂલ્યવર્ધિત કરીને ઓફલાઈન તેમજ ઓનલાઈનના માધ્યમથી વેચાણ વ્યવસ્થાની સમજણ આપવામાં આવી હતી. વેચાણને લગતી જુદી-જુદી પધ્ધતિઓ વિશે તેઓને જુદા-જુદા માધ્યમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા. આ તાલિમમાં સખી મંડળના બહેનોની આવક ડબલ કરવાના ઉપાયો, પ્રાકૃતિક ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી વેચાણ વ્યવસ્થા, સામુહિક ધોરણે વેચાણ વ્યવસ્થા, SWOT analysis વિગેરે ઉપર ઓડિયો-વિઝ્યુઅલના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલિમમાં બહેનોને વેચાણ કેન્દ્રો અને મ્યુઝીયમની એક્ષ્પોઝર વિઝીટ દ્વારા વેચાણની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ તાલિમમાં ડાંગ જિલ્લાની ૧૫ થી વધુ સખી મંડળની બહેનોએ સક્રિય રીતે ભાગ લઈને તાલિમના અંતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ તાલિમને સફળ બનાવવામા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. ડોબરીયા અને ડૉ. પ્રતિક જાવિયાએ મહત્વનો ફાળો આપ્યો હતો.