ગિરિમથક સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં ઇજાગ્રસ્ત વિધાર્થીનાં મામલે ડાંગ પ્રાયોજના વહીવટદાર દ્વારા મંત્રી કુંવરજીભાઈ હળપતિને ઉઠા ભણાવાતા આડેહાથ લઈ ખખડાવ્યા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : 28-08-2024 ગિરિમથક સાપુતારા ખાતેની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં અસંખ્ય આદિજાતિ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.પરંતુ થોડાક સમયથી ડાંગ જિલ્લાનાં પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર અને શાળા સંચાલકોનાં બખડ જંતરનાં પગલે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતા ઇતર પ્રવૃત્તિઓને લઈને બદનામ થઈ ચૂકી છે. થોડા દિવસપૂર્વે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારાની બાળકીઓને મોન્સૂન ફેસ્ટિવલનાં સ્ટેજ પર કાર્યક્રમો માટે પેશ કરાતા વાલીઓની લાગણી દુભાઈ હતી. તેવામાં 26મી ઓગષ્ટનાં રોજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા સાપુતારાનાં સંચાલકો દ્વારા સુરક્ષાનાં સાધનો વગર મટકી ફોડનાં કાર્યક્રમ યોજતા આ મટકીફોડનાં કાર્યક્રમમાં ધોરણ 12નો એક વિદ્યાર્થી 50 ફૂટની ઉંચાઈએથી નીચે પટકાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટનાનાં અખબારી અહેવાલો પ્રકાશમાં આવતાની સાથે જ ડાંગ જિલ્લા પ્રાયોજના કચેરી દ્વારા આ ઘટના બની જ ન હોય તેવુ બતાવવામાં આવી રહ્યુ હતુ. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારાનો ધો-12 કોમર્સનો વિદ્યાર્થી મટકી ફોડ કાર્યક્રમમાં સંચાલકોની બેદરકારીને પગલે પટકાતા આ વિદ્યાર્થીનાં થાપાનું હાડકુ તૂટી ગયા ની ઘટનાને પ્રયોજના વહીવટદાર રાજ સુથાર દ્વારા ઢાંક પીછોડો કરતા ડાંગનાં મુલાકાતે આવેલ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીએ આડે હાથ લેતા જિલ્લા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામી છે. સાપુતારાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો જીતેશભાઇ વસંતભાઈ ધૂમ ઉં 17.રે.શૂળયા બરડા.તા.વઘઇ જી.ડાંગનાએ તા 26 /08/24નાં રોજ સ્કૂલમાં યોજાયેલ જન્માષ્ટમીની મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનાં સુરક્ષાની યોગ્ય પરવા કર્યા વગર અનરાધાર વરસાદમાં શાળાના ખુલ્લા કમ્પાઉન્ડમા મટકી ફોડ કાર્યક્રમ યોજતા અહી આ વિદ્યાર્થીએ સંતુલન ગુમાવી દેતા જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ આ સમગ્ર ઘટનાને ડાંગ પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર અને સ્કૂલ સંચાલકોએ દબાવવા માટે આકાશ પાતાળ એક કરવાની કોશિશ કરી હતી. જોકે અખબારોમાં અહેવાલ પ્રકાશિત થતા અને આદિજાતિ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યા હોય જેથી તેઓએ ડાંગ પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર પાસે આ ઘટનાનો અહેવાલ માંગતા પ્રથમ તો પ્રાયોજના વહીવટદાર રાજસુથારે આ વિદ્યાર્થીને કોઈ પણ ઈજા ન પોહચી હોવાનું જણાવી આ વિદ્યાર્થી શાળામાં હાલ રમી રહ્યાનું મંત્રીને જણાવ્યુ હતુ. જેથી હાજર મીડિયાકર્મીઓએ આ વિધાર્થી વાંસદાની શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાનાં વીડિયો અને ફોટોગ્રાફ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ સમક્ષ રજુ કરતા સત્યતા સામે આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અહી ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર રાજ સુથારે પોતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિને ઉઠા ભણાવવા જતા મંત્રીએ આડેહાથ લઈ બરાબરનાં ખખડાવતા પગતળે જમીન સરકી જઈ ગેગેફેફે થઈ ગયા હતા.

અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લામાં કુલ 08 જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ આવેલી છે. જેમાં આદિજાતિ વિદ્યાર્થીઓની સુવિધાઓ સહિત સુરક્ષાની જવાબદારી ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીની આવે છે. ત્યારે એકલવ્ય રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારાનાં મટકીફોડમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આર્થિક મદદ કરવાની જગ્યાએ વહીવટદાર રાજ સુથાર દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી મંત્રીને પણ ઉઠા ભણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા તેઓની અણઆવડતની પોલ ખુલી જવા પામી હતી. ત્યારે ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર જો એક આદિજાતિ વિદ્યાર્થીની સારવાર કરાવી ન શકતા હોય તો તે સમગ્ર જિલ્લાની ધૂરાનું કઈ રીતે શાશન ચલાવતા હોય તે યક્ષ પ્રશ્ન બની ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ડાંગ જિલ્લામાં કાયમી જિલ્લા વિકાસ અધિકારીની નિમણુક કરે તેવી માંગ ઉઠવા પામી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *