ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદની ધાર ધીમી પડતા જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયુ

Contact News Publisher

ડાંગ જિલ્લાનાં ગુંદિયા ગામનાં તણાયેલ યુવકની લાશ ત્રીજા દિવસે મળી.

જ્યારે વઘઇ તાલુકાનાં વાઘમાળ અને કોયલીપાડા ગામે બે મકાનો ધરાશયી થઈ પડી જતા જંગી નુકસાન

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : 28-08-2024 પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં બે દિવસ પૂર્વે અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી છે. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં કારણે ક્યાંક કોઝવેકમ પુલો તો ક્યાંક નાળાઓનું ધોવાણ થયુ છે. જ્યારે ગતરોજથી સતત બે દિવસ સુધી ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા પ્રભાવિત થયેલ જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતુ થયુ છે. ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા રોદ્ર સ્વરૂપમાં વહી રહેલ નદી, નાળા અને વહેળાઓનાં વહેણ ધીમા પડ્યા છે. ડાંગ જિલ્લાનાં વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ હાલમાં સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા નીચાણવાળા કોઝવેકમ પુલો પરથી પાણી ઓસરી જતા આજરોજથી તમામ માર્ગો યાતાયાત માટે શરૂ થયા છે.

(1)ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુંદિયા ગામે ગત 25મી ઓગસ્ટનાં રોજ ધોધમાર વરસાદમાં કોતરમાં તણાય ગયેલ યુવાનનો મૃતદેહ 28 તારીખે નજીકનાં ચેકડેમમાંથી મળી આવતા પરિવારમાં શોકની કાલીમાં ફેલાઈ જવા પામી છે.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતદેહનું પંચનામું કરી પીએમ માટે તેજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગત 25 /08/2024નાં રવિવારે એલીયાભાઈ ગુલાબભાઇ ધુળે. ઊ.25 જેઓ બરમ્યાવડથી કામકાજ પતાવી સાંજે 5 વાગ્યાનાં અરસામાં ગુંદિયા ગામે આવી રહ્યો હતો. ત્યારે ગુંદિયા ગામ નજીકનાં કોતર ઉતરવા જતા પગ લપસી ગયો હતો,ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને પગલે કોતરમાં પાણીનો પ્રવાહ વધુ હોય તણાય જતા પરિવાર અને સગા સંબંધીઓએ શોધખોળ કરવા છતા મળ્યો નહતો, જે બાદ હાલ વરસાદ ધીમો પડવા સાથે કોતરમાં પાણીનો પ્રવાહ ઓછો થતા છેક ત્રીજા દિવસે તણાય ગયેલ એલયાભાઈ ધુળેનો મૃતદેહ નજીકનાં ચેકડેમમાં મળી આવતા સાપુતારા પોલીસે લાશ કબ્જે લઈ પંચનામુ કરી પીએમ માટે નજીકનાં દવાખાને મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2)અનરાધાર વરસાદમાં ડાંગનાં વઘઇ તાલુકાનાં વાઘમાળ તથા કોયલીપાડા ગામે એક એક ઘર ધરાશાયી થઈ પડી જતા બે પરિવારોની છત છીનવાઈ જવા પામી છે. બે દિવસ પૂર્વે ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.જે વરસાદમાં કોયલીપાડા ગામનાં નિલેશભાઈ જશુભાઈ ભોયેના ઘર પર વૃક્ષ ધરાશાયી થઈ પડતા જંગી નુકશાન થયુ હતુ. અહી ઘર પર વૃક્ષ પડતા ઘરનાં નળીયા ફૂટી જતા ઘરવખરી સામાન વરસાદમાં પલળી જતા જંગી નુકસાન થયૂ હતુ. જેની જાણ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલને થતા તેઓએ ઘરમાલિકની મુલાકાત લઈ સહાય મળે તેવી હૈયાધરપત આપી હતી.જ્યારે વઘઇ તાલુકાનાં વાઘમાળ ગામે રહેતા નિતીનભાઈ કાશીરામભાઈ વેજલનું ઘર અનરાધાર વરસાદમાં ધરાશયી થઈ પડી જતા જંગી નુકશાન થયુ હતુ.અહી અનરાધાર વરસાદમાં ઘર વખરી સહિત અનાજ પલળી જતા ઘર માલિકને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આ બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સુબિર પંથકમાં 15 મિમી, વઘઇ પંથકમાં 21 મિમી, સાપુતારા 22 મિમી, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 23 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *