S.R.P. વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા પન્નાબેની રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે યોજનારા કાર્યક્રમમાં રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત S.R.P. વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા શ્રીમતી પન્નાબેન પટેલની પસંદગી થતાં કામરેજ તાલુકાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
આગામી 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિનનાં રોજ શ્રીમતી પન્નાબેન ગાંધીનગર ખાતે યોજાનારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહામહિમ રાજયપાલ અને માનનીય મુખ્યમંત્રીશ્નીની ઉપસ્થિતિમાં એવોર્ડ સ્વીકારશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી પન્નાબેન પટેલ પ્રાથમિક શાળાનાં નાના ભૂલકાઓને પાયાનું જ્ઞાન, મૂલ્યલક્ષી શિક્ષણ, પ્રવૃત્તિમય અને ગમ્મત સાથે જ્ઞાનનું ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. પોતાનાં વર્ગને જ હંમેશા સ્વર્ગ બનાવીને કાર્ય કરતા આ શિક્ષિકા પોતે એક સારા કવિયત્રી પણ છે અને તાજેતરમાં જ એમનો સ્વરચિત બાળ કાવ્યસંગ્રહ ‘થનગનાટ’નું વિમોચન રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનાં વરદ હસ્તે થયું હતું. આ અગાઉ કામરેજ તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તથા સુરત જિલ્લા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યા છે.
પ્રાથમિક તેમજ માધ્યમિક બંને વિભાગમાંથી સમગ્ર સુરત મહાનગર અને સુરત ગ્રામ્યમાંથી એકમાત્ર શ્રીમતી પન્નાબેનની શ્રેષ્ઠ શિક્ષક તરીકેનાં રાજપાલ એવોર્ડ માટે પસંદગી થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત જિલ્લાનાં વહીવટીતંત્રએ હર્ષની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતાં.