ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને પીએમ જનમન યોજના હેઠળ પાયાકિય સુવિધાઓ અપાઇ
પીએમ જનમન યોજના હેઠળ મારા ઘરમાં વિજળીની સુવિધા ઉપલબ્ધ થઇ – શ્રી સુરજ ગાવિત
–
જનજાગૃતિની પ્રવૃત્તિઓ થકી આદિમજૂથના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાના વહીવટી તંત્રના પ્રયાસો :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આહવા: તા: ૨૭: દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા ગત તા.૧૫મી નવેમ્બર, ૨૦૨૩ના રોજથી PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનશ્રી દ્વારા ‘પીએમ જનમન અભિયાન’ હેઠળ આદિમજૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી, વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને, સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે.
‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ આદિમજૂથના પરીવારોને પાયાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચિંચિનાગાવઠા ગામના રહેવાસી શ્રી સુરજ ગાવિત જણાવે છે કે, ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ તેઓના ઘરમાં સરકાર દ્વારા વિજ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી તેઓના ઘરમાં ઉજાશ આવ્યો છે, તેમ વધુમાં તેઓએ ઉમેર્યું હતું.
તેવી જ રીતે આ જ ગામના અન્ય લાભાર્થી સર્વશ્રી ગંગાભાઇ ધનજીભાઇ વારલી, શ્રી કિશનભાઇ બહાદુરભાઇ ગાવિત, શ્રી વેસ્તાભાઇ અફણિયાભાઇ ગાવિત, શ્રીમતી જશુબેન સુરેશભાઇ ગાવિતને પણ વિજ કનેક્શનની સુવિધા આપવામાં છે.
આ લાભાર્થીઓ જણાવે છે કે, તેઓને સરકારશ્રી દ્વારા, આવાસની સાથે વિજ કનેક્શન પણ આપવામાં આવ્યું છે. હવે પાકા આવાસની સાથે તેમના ઘરમાં અજવાસ પણ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને ‘પીએમ જનમન યોજના’ હેઠળ કુલ બાવન લાભાર્થીઓને આવાસ, તેમજ વિજ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. આ અભિયાન અન્વયે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા, તારીખ ૨૩મી ઓગસ્ટ-૨૦૨૪થી તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી, PM-JANMAN ફેઝ-૨ ના પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિ માટે ઝૂંબેશરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા આહવા તાલુકાના-૨ ગામો, વઘઈ તાલુકાના-૧૨, અને સુબિર તાલુકાના-૩ ગામો મળી કુલ-૧૭ ગામોના, આદિમજુથ સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃ વંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય એવા આદિમજૂથના લોકોને, જે તે ખાતાની કચેરીઓ દ્વારા લાભાન્વિત કરવામાં આવનાર છે.
–