જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં નઘોઈ ગામની નિષ્ઠા પટેલની ઝળહળતી સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા તાપ્તીવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ તા. ઓલપાડ ખાતે આયોજીત જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ. ચેસ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં કુલ 450 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બહેનોનાં Under-17 વિભાગમાં આર્યમ્ એજ્યુકેશનલ ઍકેડેમી, બોલાવની ગુજરાતી માધ્યમનાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી નિષ્ઠા સંજયભાઈ પટેલે ઝળહળતો દેખાવ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી પોતાની શાળા, નઘોઈ ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
તેણીની આ વિશેષ ઉપલબ્ધિ બદલ શાળાનાં ટ્રસ્ટીગણ, પ્રધાન આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર જીતેનભાઈ અગ્રાવત, શાળાનાં પી.ટી. શિક્ષક અજયસિંહ પરમાર તથા મુકુંદ ટાંકે અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ પટેલની નાનપણથી જ અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે રસરૂચિ ધરાવતી આ પ્રતિભાવંત દીકરીએ ગત વર્ષે પણ ખેલ મહાકુંભમાં સિદ્ધિ મેળવીને પોતાની યશકલગીમાં મોરપિચ્છ ઉમેર્યુ હતું. તેણીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે શુભેચ્છા પાઠવી હતી.