ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળી : શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજય જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા ગત તા. ૨૯ જુલાઈનાં રોજ રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરને પ્રાથમિક શિક્ષકોનાં બદલીનાં કેમ્પોની તારીખ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને ગતરોજ શિક્ષણ વિભાગ દ્વારા બદલીનાં કેમ્પોની તારીખ જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગની આ મહત્ત્વની જાહેરાતને સર્વત્ર આવકાર મળેલ છે.
સદર બદલી કેમ્પ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષકોની વધઘટ અને જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે. તા. ૨૪ થી ૨૮ ઓગસ્ટ સુધી કેમ્પની પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે. આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો ૧ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી રહેશે. જ્યારે બીજો તબક્કો ૨૮
સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબર સુધીનો રહેશે. વધઘટ બદલી કેમ્પ તા. ૨૦ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા આંતરિક બદલી કેમ્પનાં બીજા તબક્કા માટેની પૂર્વ તૈયારીઓ તા. ૨૪ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ માટેનો શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.