ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મળી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન ભાવેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ, ઓલપાડ ખાતે યોજાયેલ આ સભામાં મંડળીનાં કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સભાની શરૂઆતમાં તાજેતરમાં કેદારનાથ તથા વાયનાડ દુર્ઘટનામાં સદગતિ પામેલ મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મંડળીનાં સેક્રેટરી ગિરીશભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને ૨૦૨૩/૨૪ નું પુંજી-દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મંડળીનાં ચેરમેન ભાવેશભાઈ આર. પટેલે પ્રમુખસ્થાનેથી સભાસદોનાં સહકાર અને સંચાલકોની સેવાને બિરદાવી મંડળીનાં હિતની વાતો રજૂ કરી હતી. તેમણે બચત થાપણ પર ૬ ટકા વ્યાજ તેમજ શેર ભંડોળ પર ૫.૮૫ ટકા ડિવિડન્ડ આપવા અંગે જણાવ્યું હતું. સભામાં ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચિરાગ પટેલ દ્વારા મંડળીનાં ૫૫ વર્ષ પૂર્ણ થતાં સૌને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોનાં હિતનો ભાવ વ્યક્ત કરી આભારવિધિ વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ પટેલે આટોપી હતી.