ગણેશ મહોત્સવને અનુલક્ષીને કેટલાક પ્રતિબંઓ ફરમાવતું તાપી જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
શ્રી ગણેશજીની પ્રતિમાઓ બેઠક સહિતની ૯ ફુટથી વધુ ઉંચાઇની બનાવી, વેચી કે સ્થાપના કરી શકાશે નહીં
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬ આગામી ગણેશોત્સવ દરમિયાન તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક તાપી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. આગામી સમયમાં ગણેશ સ્થાપના દિવસથી લઈ ૧૭.૦૯.૨૦૨૪ વિસર્જન સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોઇ સ્થાપના બાદ ઘાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ગણેશ ઉત્સવ તહેવારની ઉજવણીને લઇ આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને લઇ આ તહેવારની ઉજવણી દરમ્યાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબનાં કૃત્યો ઉપર પ્રતિબધ મુકવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર શ્રી ગણેશજીની પી.ઓ.પી./ફાયબરની મૂર્તિઓ પ્રતિમાઓ બેઠક સહિતની ૯ ફુટથી વધુ ઉંચાઇની બનાવવી નહી, વેચવી નહી, સ્થાપના કરવી નહી તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવુ નહી. (પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓનું નદીઓ/તળાવોમાં વિસર્જન કરવું નહિ. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિર્સજન કરવી નહી. કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ. શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહી, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવી નહી, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.નકકી થયેલ વિસર્જનના દિવસ બાદ કોઇપણ આયોજકે મૂર્તિનું વિસર્જન કરવુ નહીં, આયોજક દ્વારા પોતાની મૂર્તિને બિનવારસી રીતે છોડી નહી.
શહેરો કે નગરોના જાહેરમાર્ગો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક કે જાહેર વ્યવસ્થા શાંતિનો ભંગ થાય તેવી રીતે ગણપતિના મંડપ/પંડાલો ઉભા કરવા પર પ્રતિબંધ, વિસર્જન યાત્રામાં નકકી થયેલ ડેસીબલ કરતા વધુ અવાજવાળા ડી.જે.સાઉન્ડ, લાઉડ સ્પિકર વગાડવા તથા નકકી થયેલા રૂટ સિવાય દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ જિલ્લા બહારથી ગણેશજીની મુર્તિ લાવી વેચતા મુર્તિકારો અને વેપારીઓને પણ લાગું પડશે.
આ હુકમ તા.૧૮.૦૯.૨૦૨૪ સુધી અમલમાં રહેશે અને હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
00000