ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે પદાધિકારીઓ અને અધિકારીઓનું સામૂહિક ચિતન
આગોતરા આયોજન થકી પ્રશ્ન, સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ૧૬ : ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસની દિશામાં પદાધિકારીઓ, અને અધિકારીઓ સામૂહિક ચિંતન મનન કરીને પ્રજા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના જણાવ્યા અનુસાર, વલસાડ-ડાંગના યુવા સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, અને કલેકટરશ્રી સહિતના ઉચ્ચ જિલ્લાધિકારીઓએ, ડાંગના પ્રજાપ્રશ્ને સામૂહિક ચિંતન કર્યું હતું.
ગિરિમથક સાપુતારાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં, શ્રી ધવલભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ પટેલ સમક્ષ કેટલાક પ્રશ્નો રજૂ થતાં હતા. જેમાં મહારાષ્ટ્રના નાસિક તથા નંદુરબાર સુધી બસ સુવિધા વધારવા સાથે, પર્યાવરણની જાળવણી સહિત લઘુ ઉઘોગો વિકસાવી રોજગારીના અવસર ઊભા કરવા, સ્થળાંતર અટકાવવા, પ્રાથમિક શાળાઓની પાયાકિય જરૂરિયાતોની પૂર્તિ માટે સર્વે હાથ ધરવા, બી.એસ.એન.એલ.ના નેટવર્કનો વ્યાપ અને કાર્ય ક્ષમતામાં વધારો કરવા, નેચરલ ફાર્મિંગ વધારવા, પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ જેવા મુદ્દે પદાધિકારીઓ અને અધિકારીઓએ જરૂરી પરામર્શ કર્યો હતો.
આ ઉપરાંત મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા તળાવની સાફ સફાઈ સાથે તેને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં કાર્યવાહી કરવા ઉપરાંત, આહવા સ્થિત સિવિલ હોસ્પિટલની ખાલી જગ્યાઓ ભરવા અને નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયાસોની પણ હિમાયત કરવામાં આવી હતી. આ સાથે આહવા ખાતે બ્લડ બેન્ક શરૂ કરવા, અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે પણ પૂર્વ આયોજન ઘડી કાઢવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સુન ફેસ્ટિવલમાં સ્થાનિક કલાકારો/મંડળોને કામગીરી આપવા સાથે અહીની બોટિંગ પ્રવૃતિ ફરી શરૂ કરવા, અને નવાગામ ખાતે પાકા મકાન બાંધકામની પરવાનગી મુદ્દે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. સાપુતારા સહિત ઘાટ માર્ગમાં ટ્રાફિક અને અકસ્માત નિવારણ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સહિત નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, કલેકટર શ્રી બી.બી.ચૌધરી, ચીફ ઓફિસર-વ-પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, પોલીસ અધિકારીઓ તથા કાર્યપાલક ઈજનેરો વિગેરેએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.
–