ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો ત્રિદિવસીય તાલીમ વર્ગ પરીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયોમ
વિદ્યામંદિરમાં નિષ્ઠાપૂર્વક બાળવંદના કરતાં શિક્ષકો પર કુદરતનાં ચાર હાથ હોય છે : જિ.પ્રા.શિ. જયેશ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે. આ અધ્યયન સંપૂટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ 1 અને 2 નાં શિક્ષકો તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પરીયા પ્રાથમિક શાળા ખાતે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા, સુરત માર્ગદર્શિત આ તાલીમવર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ 125 જેટલાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં NCF-SCF, અધ્યયન નિષ્પતિ, જાદૂઈ પિટારા, કાર્યપ્રણાલી, અધ્યયન સંપૂટ, પ્રગતિ રજીસ્ટર, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ સમક્ષ ઉમદા દૃષ્ટાંતો રજૂ કરીને વિશેષ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમણેઃ શિક્ષકોને બાળકોનાં બીજા માવતરની ઉપમા આપી હતી. સદર તાલીમવર્ગમાં ઈલા મહીડા, આશા ગોપાણી, હેમાલી પટેલ, રેશ્મા પટેલ, દિપ્તિ મૈસુરીયા, પ્રવિણા મોરકર, ધર્મિષ્ઠા ભાટીયા, કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. તાલીમનાં અંતિમ દિવસે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓનાં પ્રતિભાવને અનુલક્ષી સંવાદ સાધી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલીમ વર્ગને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં આચાર્ય હર્ષદ પંચાલ તથા સ્ટાફગણ સહિત સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા ઓલપાડનાં સી.આર.સી.કૉ-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.