સુબીર ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”
સુબીર ગામ તિરંગામય બન્યુ
–
યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી લોકચેતના જગાવી
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૧૦ : ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને “તિરંગા યાત્રા” યોજાઈ હતી.
હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રા, સરકારી માધ્યમિક શાળાથી સુબીરના બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગાનાં ધ્વજ સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી.
ઉલ્લેખનીય છે કે, તારીખ ૮ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પોલીસ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી સુબીરની તિરંગા યાત્રામાં નાયબ દંડકશ્રી સહિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન, કલેકટર શ્રી બી.બી.ચૌધરી, દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિતના અધિકારીઓ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, ગ્રામજનો, ૫૦૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
–