ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ

Contact News Publisher

ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે.આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે.આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે : ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને લાભ-સહાય આપીને સન્માનિત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ (સરકારી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી, કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નૈયર,જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ,આદિજાતિ વિભાગના ઉપ સચિવશ્રી જયદેવસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મમા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અંદાજીત એક હજાર કરોડના કામોનું લોકાર્પણ,ખાતમુહુર્તનું ઈ-લોકાર્પણ કરાયું હતું. તાપી જિલ્લામાં પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત,આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૮.૮૭ કરોડના કુલ-૧૧૬ કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા ૧૪.૧૩ કરોડના કુલ-૧૩૫ કામોનું ખાતમુહુર્ત અને વ્યક્તિલક્ષી કામો રૂા.૩ કરોડના ૪૨૯ કામો નું આયોજન કરવામાં આવ્યું હતું. બધા મળીને પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા તાપી જિલ્લામાં કુલ ૨૬ કરોડના ૬૮૦ જેટલા વિવિધ કામોનું લોકાર્પણ,ખાતમુહુર્ત અને વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે.દાતા થી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે. આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજની સાથે રહીને પરિવારનો વિકાસ થાય એ વિઝન રાખીને યોજનાઓ બનાવી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે યોજનાઓ પહોંચી છે. આયુષમાન યોજના થકી આરોગ્યની સારવાર મફતમાં થઈ જાય. જેની ચિંતા મુખ્યમંત્રીશ્રીએ કરી છે. છેવાડાના ગામોમાં નેટવર્કની સમસ્યા આવે છે. જેના માટે ટૂંક સમયમાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટાવર લોન્ચીંગ થનાર છે.

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સૌ આદિવાસી ભાઈઓ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા, આદિવાસી સમાજે આઝાદીમાં યોગદાન આપ્યું છે. તે વખતના ઘણાં બધા નાયકોએ પોતાના બલિદાન આપ્યા છે. વેગડા ભીલે શહીદી વહોરી હતી,પૂંજા ભીલ જેવા અનેક નાયકોએ માનગઢમાં અંગ્રેજો સામેની લડાઈમાં ૧૫૦૦ નાયકોએ શહીદી વહોરી હતી. આજે ડોલવણના કોટલાભાઈ મહેતાભાઈ ચૌધરીને યાદ કરવા પડે સમગ્ર ભારતદેશમાં ગણોતધારા અંગે આંદોલન છેડ્યું અને વડોદરા કૂચ કરી ગાયકવાડ રાજ દરમિયાન તેમણે યુવાનોને સાચી દિશા આપી અને આદિવાસી સમાજ માટે મોટુ કામ કર્યું.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શાળા,કોલેજ ના વિદ્યાર્થીઓ અને વિવિધ આદિવાસી સમાજના લોકોએ પારંપારિક નૃત્યો રજુ કર્યા હતા.આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ,કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું. જિલ્લા કક્ષાએ લાભાર્થીઓના લાભો એનાયત કરાયા હતા.

સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ હિસાબી અધિકારી હેતલભાઈ ગામીતે કરી હતી. કાર્યક્રમ બાદ ગૃહ રાજ્ય મંત્રીશ્રી સંઘવીએ વિરપોર ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, માનવ કલ્યાણ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી.અંગદાન માટે લોકો જાગૃત થાય અને મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યમાં ઉત્સાહથી આગળ આવવા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા સહિત ઉપસ્થિત સૌએ સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા, વ્યારાનગર પાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય,ડોલવણ તાલુકા પ્રમુખ ભાવનાબેન પટેલ,વ્યારા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ગામીત, રાકેશભાઇ કાચવાલા,ડો.નિલેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *